આઈપીએલ 2026 (IPL 2026) માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના ફેન્સ માટે એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ સામે રમાઈ રહેલી મેચમાં મુંબઈની ટીમનો નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર થઈ ગયો છે અને તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. હાર્દિક બીમાર હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. કેપ્ટન બનતાની સાથે જ સૂર્યાએ પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મોટા ફેરફારો પણ કરી દીધા છે.
હાર્દિક પંડ્યા કેમ નથી રમી રહ્યો?
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે IPL 2026 ની 8મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. મેચમાં ટોસ સમયે જ્યારે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવ મેદાનમાં આવ્યો, ત્યારે બધાને થોડું આશ્ચર્ય થયું હતું. જોકે, ફેન્સે ગભરાવાની જરૂર નથી. સૂર્યાને માત્ર આજની મેચ માટે જ મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યાની તબિયત સારી ન હોવાથી તે આ મેચમાંથી બહાર છે. તેની આ ગેરહાજરીના કારણે સૂર્યાએ ટીમનું સુકાન સંભાળ્યું છે.
ટોસ સમયે સૂર્યકુમારે શું કહ્યું?
દિલ્હી સામે ટોસ કર્યા પછી સૂર્યકુમારે હાર્દિક વિશે અપડેટ આપતા કહ્યું હતું કે, "હાર્દિકની તબિયત સારી નથી. તે બિલકુલ સ્વસ્થ દેખાઈ રહ્યો નથી, તેથી તે આજની મેચ માટે ફિટ નહોતો. એટલે આજે હું માત્ર પરિસ્થિતિને અનુકૂળ થઈને તેની જવાબદારી નિભાવી રહ્યો છું."
આ ઉપરાંત સૂર્યાએ KKR સામે મળેલી અગાઉની જીત વિશે વાત કરતા કહ્યું કે, "જ્યારે તમે 13 થી 14 વર્ષ પછી સીઝનની તમારી પહેલી મેચ જીતો છો, ત્યારે ટીમમાં જબરદસ્ત પોઝિટિવિટી આવે છે. અમે ખૂબ જ ખુશ છીએ, પરંતુ વાનખેડે કરતા આ મેદાન એકદમ અલગ છે, એટલે અહીંનો પડકાર જુદો હશે."
ટીમમાં થયા 3 મોટા ફેરફારો
સૂર્યકુમારે કેપ્ટન તરીકે ચાર્જ લેતા જ મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં 3 મહત્વના ફેરફારો કર્યા છે. ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ ઓલરાઉન્ડર કોર્બિન બોશને રમાડવામાં આવી રહ્યો છે. હાર્દિક પંડ્યાના સ્થાને દીપક ચહરને તક મળી છે અને અલ્લાહ ગઝનફરની જગ્યાએ મિશેલ સેન્ટનરને લેવામાં આવ્યો છે. મુંબઈએ પોતાની પહેલી મેચ ભલે જીતી હોય, પરંતુ આજે તેઓ આ 3 નવા ફેરફારો સાથે દિલ્હી સામે ટકરાશે.
આજની મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા
રેયાન રિકલ્ટન (વિકેટકીપર)
તિલક વર્મા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
નમન ધીર
શેરફેન રધરફોર્ડ
મિશેલ સેન્ટનર
કોર્બીન બોશ
શાર્દુલ ઠાકુર
દીપક ચહર
જસપ્રિત બુમરાહ
