vaibhav sooryavanshi sixes record ipl: IPL 2026 ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના માત્ર 15 વર્ષના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં મોટો ધમાકો કર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની આ મહત્વની મેચમાં વૈભવે શાનદાર શરૂઆત અપાવતા બે મોટા અને ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે ઋષભ પંતનો સૌથી નાની ઉંમરે 600 રન બનાવવાનો અને 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેઈલનો એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ તોડીને એક નવો જ ઈતિહાસ રચી દીધો છે.
ઋષભ પંતનો મોટો રેકોર્ડ તૂટ્યો
મેચની વાત કરીએ તો, પહેલા બેટિંગ કરવા ઉતરેલા વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનને એકદમ વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. આ ધમાકેદાર ઇનિંગ દરમિયાન જ તેણે આ સિઝનમાં પોતાના 600 રન પૂરા કરી લીધા. આ સાથે જ તે IPL ના ઈતિહાસમાં એક જ સિઝનમાં 600 રનનો આંકડો પાર કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ઋષભ પંતના નામે હતો, જેને આ 15 વર્ષના ડાબોડી બેટ્સમેને આસાનીથી પાછળ છોડી દીધો છે.
ક્રિસ ગેઈલનો ઓલ-ટાઇમ રેકોર્ડ પણ ધ્વસ્ત
માત્ર 600 રન જ નહીં, પણ વૈભવે પોતાની આક્રમક રમતથી T20 ક્રિકેટના દિગ્ગજ ક્રિસ ગેઈલનો જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ટૂર્નામેન્ટના આ હાઈ-વોલ્ટેજ નોકઆઉટ સ્ટેજમાં તેણે પોતાની સિઝનની 60મી સિક્સર ફટકારી હતી. તમને જણાવી દઈએ કે, એક સિઝનમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ અત્યાર સુધી ગેઈલના નામે હતો, જેણે 2012માં 59 સિક્સર ફટકારી હતી. એલિમિનેટર મેચમાં હૈદરાબાદના બોલરોની બરાબરની ધોલાઈ કરીને વૈભવે ગેઈલને પણ પાછળ રાખી દીધો છે અને એક જ સિઝનમાં 50થી વધુ સિક્સર ફટકારનાર તે પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે.
આ પણ વાંચોઃ શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
બાઉન્ડ્રીથી જ બનાવ્યા અડધાથી વધુ રન
સમસ્તીપુરમાં જન્મેલા આ યુવા ખેલાડીએ પોતાની સિક્સર મારવાની ગજબની ક્ષમતાથી ભલભલા આંતરરાષ્ટ્રીય બોલરોને લાચાર કરી દીધા છે. તેણે આ સિઝનમાં પોતાના અડધાથી વધુ રન તો માત્ર બાઉન્ડ્રી (ચોગ્ગા-છગ્ગા) મારીને જ બનાવ્યા છે. આ અગાઉ ગ્રુપ સ્ટેજની એક મેચમાં પણ તેણે હૈદરાબાદ સામે જ એક ઇનિંગમાં 12 લાંબી સિક્સર ફટકારી હતી અને સૌથી ઝડપી સદી નોંધાવી હતી.
પોતાની સતત આક્રમક રમત અને ધમાકેદાર ફોર્મના કારણે તેણે ઓરેન્જ કેપની રેસમાં પણ પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. કાચી ઉંમરે તેનામાં જોવા મળતી આ પાવર-હિટિંગ અને મેચ્યોરિટીએ સાબિત કરી દીધું છે કે, વૈશ્વિક ક્રિકેટને હવે એક નવો સુપરસ્ટાર મળી ગયો છે.
આ પણ વાંચોઃ IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
