ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે IPL 2026 માટે હવે સ્ટેજ બિલકુલ તૈયાર છે. બધી જ 10 ટીમો પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપી રહી છે અને મોટાભાગની ટીમો પ્રેક્ટિસ મેચો પણ રમી રહી છે. આ બધાની વચ્ચે IPL ના 19 વર્ષના ઈતિહાસમાં એક એવો મોટો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે જે આખી દુનિયાના ક્રિકેટ ફેન્સને રોમાંચિત કરી દેશે. આ પહેલીવાર બનવા જઈ રહ્યું છે કે જ્યારે 10 ટીમોની આખી ટુર્નામેન્ટમાં તમામ 10 ટીમોના કેપ્ટન ભારતીય ખેલાડીઓ હશે. અગાઉ 8 ટીમો હતી ત્યારે આવું બની ચૂક્યું છે, પરંતુ 10 ટીમોના વિસ્તરણ પછી આ પહેલો ઐતિહાસિક પ્રસંગ છે જ્યાં એકપણ વિદેશી ખેલાડી કેપ્ટન નથી.

પેટ કમિન્સની ઈજાથી સર્જાયો આ અનોખો રેકોર્ડ

આ ઐતિહાસિક રેકોર્ડ બનવા પાછળનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સની ઈજા છે. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ ઈજાના કારણે 2026 IPL ની શરૂઆતની કેટલીક મેચો રમી શકશે નહીં. આથી, તેમની ગેરહાજરીમાં ફ્રેન્ચાઈઝીએ વિસ્ફોટક બેટ્સમેન ઈશાન કિશનને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. બાકીની 9 ટીમોમાં તો પહેલેથી જ ભારતીય કેપ્ટનો હતા, અને હવે શરૂઆતની મેચો માટે હૈદરાબાદની કમાન પણ એક ભારતીયના હાથમાં આવતા આ અનોખો રેકોર્ડ સર્જાયો છે.

IPL 2026 માં તમામ 10 ટીમોના સુકાનીઓનું લિસ્ટ:

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: રજત પાટીદાર

સનરાઇઝર્સ હૈદરાબાદ: ઇશાન કિશન (પેટ કમિન્સ ગેરહાજર રહે ત્યાં સુધી)

કોલકાતા નાઈટ રાઇડર્સ: અજિંક્ય રહાણે

પંજાબ કિંગ્સ: શ્રેયસ ઐયર

લખનૌ સુપર જાયન્ટ્સ: ઋષભ પંત

મુંબઈ ઇન્ડિયન્સ: હાર્દિક પંડ્યા

રાજસ્થાન રોયલ્સ: રિયાન પરાગ

ચેન્નઈ સુપર કિંગ્સ: રુતુરાજ ગાયકવાડ

દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ

ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ

ઈશાન કિશન પહેલીવાર IPL ટીમનું નેતૃત્વ કરશે

આ પહેલીવાર હશે જ્યારે ઈશાન કિશન કોઈ IPL ટીમનું નેતૃત્વ સંભાળશે. જોકે, તેની પાસે સ્થાનિક ક્રિકેટમાં કેપ્ટનશિપ કરવાનો બહોળો અનુભવ છે. તમને જણાવી દઈએ કે તેણે 2025 ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઝારખંડની ટીમનું શાનદાર નેતૃત્વ કરીને તેમને ચેમ્પિયન બનાવ્યા હતા. આ જ દમદાર પ્રદર્શનના આધારે ઈશાનને 2026 ના T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું, જ્યાં તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી ભારતને વર્લ્ડ કપ જિતાડવામાં સિંહફાળો આપ્યો હતો.