દિલ્હી કેપિટલ્સના યુવા ઓલરાઉન્ડર વિપરાજ નિગમ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મેદાન પર પોતાના વિસ્ફોટક પ્રદર્શન માટે જાણીતા આ યુવા ક્રિકેટરને બ્લેકમેઈલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે પોલીસમાં ફરિયાદ કરી છે કે તેને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી સતત ધમકીઓ મળી રહી છે. ટીવી9ના રિપોર્ટ અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના હૈદરગઢ વિસ્તારનો રહેવાસી વિપરાજ રવિવારે બારાબંકી સિટી કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સમગ્ર ઘટના અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી. IPL 2025 દરમિયાન વિપરાજ નિગમ લાઈમલાઈટમાં આવ્યો હતો જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

વિપરાજ નિગમ બ્લેકમેઈલિંગનો ભોગ બન્યો

વિપરાજ નિગમે એક મહિલા પર બ્લેકમેઈલિંગ અને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. વિપરાજે પોલીસને જણાવ્યું હતું કે એક મહિલા તેના અંગત જીવનમાં દખલ કરી રહી છે. તેણીએ ગેરવાજબી માંગણીઓ કરી અને જો તે ના પાડે તો તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. વિપરાજ નિગમે તેનો નંબર બ્લોક કર્યા પછી તેને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી સતત કોલ અને મેસેજ આવવા લાગ્યા હતા. આ કોલ્સમાં તેને અને તેના પરિવારને જાહેરમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. વિપરાજે કહ્યું હતું કે આ તેની કારકિર્દીને બરબાદ કરવા અને તેને માનસિક રીતે તોડવા માટે એક સુનિયોજિત કાવતરું છે.

વિપરાજ શહેર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સમગ્ર ઘટના અંગે સ્ટેશન ઇન્ચાર્જ સુધીર કુમાર સિંહને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ફરિયાદને ગંભીરતાથી લીધી અને કેસ નોંધ્યો હતો. પોલીસ અધિકારી સુધીર કુમાર સિંહે જણાવ્યું કે ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. સાયબર સેલ કોલ ડિટેલ્સ, મેસેજ અને સંબંધિત નંબરોની તપાસમાં પણ સામેલ છે. જોકે, આંતરરાષ્ટ્રીય કોલ્સને કારણે તપાસમાં વિદેશી એજન્સીઓની મદદની જરૂર પડી શકે છે.

IPL 2025માં મજબૂત પ્રદર્શન

વિપરાજ નિગમે IPL 2025માં દિલ્હી કેપિટલ્સ માટે કુલ 14 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 179.74ના સ્ટ્રાઇક રેટથી 142 રન બનાવ્યા હતા. તેણે બોલર તરીકે 9.12ના ઇકોનોમી રેટ સાથે 11 વિકેટ પણ લીધી હતી. તે ઉત્તર પ્રદેશ માટે સ્થાનિક ક્રિકેટ પણ રમે છે. તેણે અત્યાર સુધીમાં પાંચ ફર્સ્ટ-ક્લાસ અને છ લિસ્ટ A મેચ રમી છે.