IPL 2025 Playoff Schedule: આજે IPL 2025 માં છેલ્લી લીગ મેચ રમાશે, જેમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ ટકરાશે. આરસીબી પહેલાથી જ પ્લેઓફ માટે ક્વૉલિફાય થઈ ગયું છે, જ્યારે લખનઉની ટીમ ફાઇનલની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગઈ છે. પંજાબ કિંગ્સ પ્રથમ ક્વૉલિફાયર મેચ રમશે તે નક્કી થઈ ગયું છે, બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચના પડકારને પાર કરવો પડશે. લીગ સ્ટેજની છેલ્લી મેચ અહીં છે, પરંતુ પ્લેઓફનું સંપૂર્ણ શિડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
જો આપણે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, પંજાબ કિંગ્સ હાલમાં 19 પોઈન્ટ સાથે ટોચ પર છે. ગુજરાત ટાઇટન્સ ૧૮ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને આ બંને ટીમોની તમામ ૧૪ મેચ પૂર્ણ થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ ૧૬ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે અને તે ચોથા સ્થાને રહેશે. પરંતુ આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિજય ફાઇનલના બધા સમીકરણો બદલી શકે છે.
ગુજરાત-મુંબઈની મુશ્કેલી વધશે ટોપ-૪માં RCB એકમાત્ર એવી ટીમ છે જેની એક મેચ બાકી છે. જો બેંગલુરુ આજે LSG ને મોટા માર્જિનથી હરાવે છે, તો તે ટેબલ ટોપર બનશે, આવી સ્થિતિમાં RCB પ્રથમ ક્વૉલિફાયરમાં પંજાબ કિંગ્સનો સામનો કરશે. જો પહેલો ક્વૉલિફાયર બેંગલુરુ અને પંજાબ વચ્ચે થાય તો ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મુશ્કેલીઓ વધી જશે.
જો RCB પહેલા ક્વૉલિફાયરમાં પહોંચે છે તો ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ સ્થિતિમાં, ગુજરાત અથવા મુંબઈમાંથી ફક્ત એક જ ટીમ આગળ વધી શકશે. વળી, એલિમિનેટર મેચના વિજેતાએ ફાઇનલમાં પહોંચવા માટે ક્વૉલિફાયર 1 માં હારી ગયેલી ટીમને પણ હરાવવી પડશે. તેથી ફાઇનલમાં પહોંચવા માટે ગુજરાત અથવા મુંબઈને બે જીત નોંધાવવી પડશે.
એ નક્કી છે કે MI એલિમિનેટર મેચ રમશે, પરંતુ ગુજરાતની ટીમ આશા રાખશે કે LSG આજે કોઈપણ ભોગે RCB પર જીત મેળવશે જેથી તે પ્રથમ ક્વોલિફાયરમાં પહોંચી શકે.
