રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં ફિફ્ટી ફટકારી હતી પરંતુ આ સાથે તેણે ખાસ સદી પૂરી કરી હતી. આ સાથે તે એક ખાસ યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે.

કિંગ કોહલીએ 15મી ઓવરના ત્રીજા બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. વાનિન્દુ હસરંગાએ બોલને ઉપર ફેંક્યો અને કોહલીએ આગળ વધીને  શાનદાર સિક્સર ફટકારી. આ સિઝનમાં કોહલીની આ ત્રીજી ફિફ્ટી છે. આ ફિફ્ટી સાથે કોહલીએ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

કોહલીએ એક સિક્સર વડે પોતાના 50 રન પૂરા કર્યા પરંતુ તેણે સદી ફટકારી છે. વાસ્તવમાં ટી20 ક્રિકેટમાં કોહલીની આ 100મી અડધી સદી હતી.  એટલે કે તેણે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં અડધી સદીની સદી પૂરી કરી છે. આવું કરનાર તે વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન છે. તેના પહેલા માત્ર ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર જ T20માં અડધી સદીની સદી ફટકારી શક્યો છે. કોહલીએ 405 મેચની 388 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું છે.  

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું છે. રાજસ્થાનની ટીમને તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મુકાબલામાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરીને 173 રન બનાવ્યા હતા જેના જવાબમાં બેંગ્લોરની ટીમે 18મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે RCBની જીતમાં મોટો ફાળો આપ્યો, બંનેએ અડધી સદીની મજબૂત ઇનિંગ્સ રમી હતી.

આરસીબી માટે આસાન જીત

174 રનના લક્ષ્યનો પીછો કરતા વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે RCBને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 92 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી થઈ હતી. સોલ્ટે માત્ર 33 બોલમાં 65 રનની તોફાની ઇનિંગ રમી હતી, આ દરમિયાન તેણે 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. બીજી તરફ વિરાટ કોહલીએ 45 બોલમાં 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.