Mitchell Santner Mumbai Indians salary: IPL 2026 ની સિઝન પૂરી થયાને હજુ માંડ 3 દિવસ થયા છે, ત્યાં જ મુંબઈ ઈન્ડિયન્સ (MI) વિવાદોમાં ફસાઈ ગઈ છે. રવિવારે (31 મે) ફાઇનલ રમાઈ ગયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનરે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી પર એક બહુ જ ગંભીર આરોપ લગાવ્યો છે, જેનાથી ક્રિકેટ જગતમાં મોટો હોબાળો મચી ગયો છે. સેન્ટનરનું કહેવું છે કે મુંબઈએ તેને આ સિઝન માટે તેનો પૂરેપૂરો પગાર આપ્યો નથી. તેને 2 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો, પણ ખભાની ઈજાના કારણે તે આખી સિઝન રમી શક્યો ન હતો, તેથી તેને માત્ર અડધો જ પગાર આપવામાં આવ્યો છે. અગાઉ સેન્ટનર પર એવો પણ આરોપ લાગ્યો હતો કે તેણે ઈજાનું બહાનું કાઢીને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં જોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે આ ખેલાડીએ જાતે જ મોટો ખુલાસો કર્યો છે.

Continues below advertisement

ખભામાં બે વાર થઈ ઈજા

'ગ્રેડ ક્રિકેટર પોડકાસ્ટ'માં વાતચીત દરમિયાન સેન્ટનરે પોતાની IPL ની આખી કહાની વર્ણવી હતી. તેણે જણાવ્યું કે પોતાના બીજા બાળકના જન્મના કારણે તે મુંબઈની પહેલી મેચ રમી શક્યો ન હતો. ત્યારબાદ તે દિલ્હી સામે મેદાનમાં ઉતર્યો, પણ તેમાં તેના જમણા ખભામાં ઈજા થઈ ગઈ. જ્યારે તે સાજો થઈને પાછો ફર્યો, ત્યારે તેના ડાબા ખભામાં પણ ઈજા થઈ ગઈ. આ સતત ઈજાઓને કારણે તે આખી સિઝનમાં માત્ર 4 મેચ જ રમી શક્યો હતો.

Continues below advertisement

સેન્ટનરનો દાવો: મળ્યો માત્ર અડધો પગાર

સેન્ટનરે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, તેને બંને ખભામાં ઈજા થઈ હતી. તેને એવું લાગતું હતું કે તે ટીમ માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે, પણ ફ્રેન્ચાઇઝીએ તેની આ વાત સમજી કે સ્વીકારી નહીં. પોતાના પગાર વિશે ચોંકાવનારો દાવો કરતા સેન્ટનરે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે તેને તેના 2 કરોડના પગારમાંથી માત્ર અડધી રકમ જ ચૂકવી છે. આ વાતથી તે ખૂબ જ નારાજ છે અને તેને આ વર્તન બિલકુલ યોગ્ય લાગ્યું નથી.

આ પણ વાંચોઃ વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ જશે! આ 3 ખેલાડીઓ છે પ્રબળ દાવેદાર

ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે IPL ના નિયમો શું કહે છે?

તમને જણાવી દઈએ કે IPL ના સત્તાવાર નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી સિઝનની વચમાં ઈજાગ્રસ્ત થઈ જાય અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જાય, તો પણ ફ્રેન્ચાઇઝીએ તેને તેના કોન્ટ્રાક્ટની પૂરેપૂરી રકમ ચૂકવવાની હોય છે. જોકે, ઘણીવાર ખેલાડીઓને તેમનો પગાર એકસાથે ન મળતા હપ્તામાં મળતો હોય છે. હાલમાં તો સેન્ટનરના આ ગંભીર નિવેદન પર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ