Nicholas Pooran fastest fifty: IPL 2026 માં અત્યાર સુધી શાંત રહેલા લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના બેટ્સમેન નિકોલસ પૂરનનું બેટ આખરે મુંબઈ ઈન્ડિયન્સ સામે જોરદાર ગરજ્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 47મી મેચમાં પૂરને મુંબઈના બોલરોની બરાબરની ધોલાઈ કરતા માત્ર 16 બોલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ તેણે 20 થી ઓછા બોલમાં સૌથી વધુ વખત અડધી સદી ફટકારવાના મામલે વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ તોડીને તેને પાછળ છોડી દીધો છે. પૂરને આ મેચમાં 21 બોલમાં 63 રનની તોફાની ઈનિંગ રમીને આખા વાનખેડે સ્ટેડિયમને રોમાંચિત કરી દીધું હતું.
સૂર્યવંશીનો રેકોર્ડ તૂટ્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઈતિહાસમાં આ પાંચમી વખત બન્યું છે જ્યારે નિકોલસ પૂરને 20 કે તેથી ઓછા બોલમાં અડધી સદી ફટકારી હોય. આ સિદ્ધિ સાથે તે આ ખાસ રેકોર્ડની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે વૈભવ સૂર્યવંશીને પાછળ પાડી દીધો છે, જેના નામે 20 થી ઓછા બોલમાં 4 વખત અડધી સદી ફટકારવાનો રેકોર્ડ હતો. આ યાદીમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા 6 વખત આવી ફિફ્ટી ફટકારીને ટોચ પર બેઠો છે.
યાદી આ મુજબ છે:
6 વખત - અભિષેક શર્મા
5 વખત - નિકોલસ પૂરન
4 વખત - વૈભવ સૂર્યવંશી
LSG માટે પૂરનનો દબદબો અને પૂરી કરી સદી
તમને જાણીને નવાઈ લાગશે કે લખનૌ માટે IPL માં સૌથી ઝડપી 5 અડધી સદી ફટકારવાનો રેકોર્ડ નિકોલસ પૂરનના નામે જ છે. તેણે અત્યાર સુધી 15, 16, 18, 19 અને 20 બોલમાં ફિફ્ટી ફટકારી છે. આમાં સૌથી ઝડપી (15 બોલમાં) ફિફ્ટી તેણે 2023 માં RCB સામે ફટકારી હતી. જો આ સિઝનની વાત કરીએ તો, IPL 2026 ની શરૂઆતની 8 ઈનિંગ્સમાં પૂરન માત્ર 82 રન જ બનાવી શક્યો હતો, પરંતુ આ એક જ મેચમાં 63 રન ફટકારીને તેણે 9મી ઈનિંગમાં આ સિઝન માટે પોતાના 100 રન પણ પૂરા કરી લીધા છે.
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
પાવરપ્લેમાં મુંબઈના બોલરોની ધોલાઈ
પૂરને પાવરપ્લે દરમિયાન જ 5 છગ્ગા ફટકારીને મુંબઈના બોલિંગ આક્રમણના છોતરા કાઢી નાખ્યા હતા. 21 બોલમાં 63 રનની તેની આ તોફાની ઈનિંગમાં 8 આસમાની છગ્ગા અને 1 ચોગ્ગો સામેલ હતો. કમાલની વાત એ છે કે તેના 63 માંથી 52 રન તો માત્ર 9 બોલમાં (બાઉન્ડ્રીથી) જ આવી ગયા હતા!
બીજી તરફ, પૂરન અને મિશેલ માર્શ વચ્ચે 94 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી (જે મુંબઈ સામે લખનૌની બીજી સૌથી મોટી ભાગીદારી છે). આ બેટિંગના જોરે લખનૌએ પાવરપ્લેની પહેલી 6 ઓવરમાં જ 1 વિકેટ ગુમાવીને 90 રન બોર્ડ પર લગાવી દીધા હતા. આ માત્ર આ સિઝનનો જ નહીં, પણ લખનૌનો IPL ઈતિહાસનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર બની ગયો છે. અગાઉ તેમનો પાવરપ્લેમાં બેસ્ટ સ્કોર 2023 માં ચેન્નાઈ સામે 80/1 નો હતો.
IPL 2026: કોલકાતાની જીતની હેટ્રિક! હૈદરાબાદને તેના જ ગઢમાં હરાવ્યું, જાણો કેવી રીતે પલટાઈ ગેમ
