PBKS vs RCB score: રવિવારે (17 મે) ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026 ની 61મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ દમદાર પ્રદર્શન કરતા પંજાબ કિંગ્સ (PBKS) ને 23 રનથી હરાવ્યું છે. આ શાનદાર વિજય સાથે જ RCB પ્લેઓફમાં ક્વોલિફાય થનારી આ સિઝનની સૌપ્રથમ ટીમ બની ગઈ છે. બીજી તરફ, પંજાબ કિંગ્સની આ સતત છઠ્ઠી હાર છે, જેના કારણે તેમની પ્લેઓફમાં પહોંચવાની સફર હવે અત્યંત મુશ્કેલ બની ગઈ છે. વિરાટ કોહલી, વેંકટેશ ઐયર અને બોલિંગમાં ભુવનેશ્વર કુમારે બેંગલુરુની જીતમાં સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હતો.
મેચનો સંક્ષિપ્ત અહેવાલ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 222 રનનો જંગી સ્કોર ઊભો કર્યો હતો. જેના જવાબમાં 223 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને માત્ર 199 રન જ બનાવી શકી હતી.
RCB ની ધમાકેદાર બેટિંગ
પ્રથમ બેટિંગ કરતા RCB ની શરૂઆત થોડી નબળી રહી હતી. ઓપનર જેકબ બેથેલ માત્ર 11 રન બનાવીને હરપ્રીત બ્રારનો શિકાર બન્યો હતો.
ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે બાજી સંભાળી હતી. પડિકલે 25 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 45 રન ફટકાર્યા હતા.
વિરાટ કોહલીએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા 37 બોલમાં 58 રન (4 ચોગ્ગા, 3 છગ્ગા) બનાવ્યા અને પોતાની IPL કરિયરની 67મી ફિફ્ટી પૂરી કરી.
અંતિમ ઓવરોમાં વેંકટેશ ઐયરે તોફાની અંદાજમાં 40 બોલમાં અણનમ 73 રન (8 ચોગ્ગા, 4 છગ્ગા) અને ટિમ ડેવિડે 12 બોલમાં 28 રન ફટકારીને ટીમને 222 ના મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. પંજાબ તરફથી હરપ્રીત બ્રારે 2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
પંજાબ કિંગ્સનું કંગાળ પ્રદર્શન
223 રનનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. માત્ર 19 રનના સ્કોર પર ટીમે પોતાના 3 ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી.
ભુવનેશ્વર કુમારે ઓપનર પ્રિયાંશ આર્ય (0) અને પ્રભસિમરન સિંહ (2) ને સસ્તામાં પેવેલિયન મોકલ્યા હતા. જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયર માત્ર 1 રન બનાવીને રસિક સલામ દારનો શિકાર બન્યો હતો.
મિડલ ઓર્ડરમાં કૂપર કોનોલી (37) અને સૂર્યાંશ શેડગે (35) વચ્ચે 43 રનની ભાગીદારી થઈ, પરંતુ તેઓ જરૂરી રનરેટ જાળવી શક્યા નહોતા.
માર્કસ સ્ટોઈનિસ (37) અને શશાંક સિંહે છઠ્ઠી વિકેટ માટે 67 રન જોડ્યા. શશાંક સિંહે લડાયક બેટિંગ કરતા 27 બોલમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 56 રનની અડધી સદી ફટકારી, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતી નહોતી. RCB તરફથી રસિક સલામે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ IPL વચ્ચે હાર્દિક પંડ્યા ફરી બનશે વરરાજા? આ તારીખે માહિકા શર્મા સાથે કરશે લગ્ન, જાણો અપડે
પોઈન્ટ ટેબલનું સમીકરણ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ સિઝનમાં જબરદસ્ત સાતત્ય દર્શાવ્યું છે. આ તેમની 13 મેચમાંથી 9મી જીત હતી, જેની સાથે તેઓ 18 પોઈન્ટ મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. બીજી બાજુ, પંજાબ કિંગ્સે 13 મેચ રમી છે જેમાંથી માત્ર 6 માં તેમને જીત મળી છે અને તેમના ખાતામાં 13 પોઈન્ટ છે. પંજાબની આ હારથી ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ જેવી ટીમોને પ્લેઓફની રેસમાં મોટો ફાયદો થયો છે.
