PSL Ban Corbin Bosch: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કોર્બિન બૉસ્ક પર પાકિસ્તાન સુપર લીગ (PSL)માંથી એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કોર્બિને PSL કરારને નજરઅંદાજ કરીને આઇપીએલ 2025માં રમવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે પીએસએલ 2025 આજથી એટલે કે 11 એપ્રિલથી શરૂ થઈ રહી છે, જેની પહેલી મેચ ઇસ્લામાબાદ યુનાઇટેડ અને લાહોર કલંદર્સ વચ્ચે રમાશે.
પાકિસ્તાને મુક્યો પ્રતિબંધ
PSL 2025 ડ્રાફ્ટમાં પેશાવર ઝલ્મી ટીમ દ્વારા દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કોર્બિન બોસ્કનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે IPL 2025 શરૂ થવાનો સમય આવ્યો ત્યારે મુંબઈ ઈન્ડિયન્સનો બોલર લિઝાર્ડ વિલિયમ્સ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. આવી સ્થિતિમાં MI ફ્રેન્ચાઇઝીએ કોર્બિન બોસ્કને રિપ્લેસમેન્ટ ઓફર કરી, જેને તેમણે પણ સ્વીકારી લીધી હતી. આ નિર્ણય પર વિવાદ થયો કારણ કે કોર્બિન PSL કરાર હોવા છતાં MI ટીમમાં જોડાયો હતો.
PCB દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, કોર્બિને કહ્યું હતું કે, "હું પેશાવર ઝલ્મીના વફાદાર ચાહકોની માફી માંગુ છું. મેં જે કર્યું તેની હું સંપૂર્ણ જવાબદારી લઉં છું અને હું સજા પણ સ્વીકારું છું, જેમાં દંડ અને PSL માંથી એક વર્ષનો પ્રતિબંધ સામેલ છે."
IPLમાંથી કોર્બિન બોસ્કને કેટલો પગાર મળે છે?
કોર્બિનને બંને લીગમાંથી લગભગ સમાન પગારની ઓફર કરવામાં આવી હતી. IPL 2025માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમવા બદલ તેને 75 લાખ રૂપિયાનો પગાર મળી રહ્યો છે. બીજી તરફ તેને PSLમાં રમવા બદલ 50-75 લાખ રૂપિયાની રકમ પણ મળવાની હતી. એ અલગ વાત છે કે અત્યાર સુધી તેને IPL 2025માં એક પણ મેચ રમવાની તક મળી નથી.
કેવુ રહ્યું આંતરરાષ્ટ્રીય કરિયર
કોર્બિન અત્યાર સુધીમાં ત્રણ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તેણે ડિસેમ્બર 2024માં પાકિસ્તાન સામે વન-ડે અને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે એક ઓલરાઉન્ડર છે અને તેને દક્ષિણ આફ્રિકાનું ભવિષ્ય માનવામાં આવે છે. જોકે, PCB દ્વારા આ પ્રતિબંધ બાદ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ વિવાદોથી ઘેરાઇ ગઇ હતી.