MI vs GT Qualifier 2 Highlights:  કેપ્ટન શ્રેયસ ઐયરની અણનમ અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું અને IPL 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં છ વિકેટે 203 રન બનાવ્યા હતા.  જેના જવાબમાં પંજાબે શ્રેયસની મજબૂત અડધી સદીની ઇનિંગ્સની મદદથી 19 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવીને વિજય મેળવ્યો. હવે  પંજાબ કિંગ્સની ટીમ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે ટકરાશે. IPLની ફાઈનલ  3 જૂને મંગળવારે અમદાવાદમાં નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 

પંજાબ કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક હતો

તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવની શાનદાર ઇનિંગ્સની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વરસાદ બાદ શરુ થયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં છ વિકેટે 203 રન બનાવ્યા હતા. વરસાદને કારણે મેચ બે કલાક અને 15 મિનિટ મોડી શરૂ થઈ હતી. પરંતુ ઓવર કાપવામાં આવી ન હતી. મુંબઈ માટે તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ્સ રમી હતી. જોકે, બંને બેટ્સમેન અડધી સદી ફટકારવામાં ચૂકી ગયા હતા.

મુંબઈને પહેલો ફટકો રોહિત શર્માના રૂપમાં મળ્યો જે 8 રન બનાવીને આઉટ થયો હતો. જોની બેયરસ્ટોએ ફરી એકવાર સારી બેટિંગ કરી અને 38 રન બનાવીને આઉટ થયો. આ પછી સૂર્યકુમાર અને તિલકએ ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી અને મુંબઈની ઇનિંગ્સ સંભાળી હતી. આ બંને બેટ્સમેનોના આઉટ થયા પછી મુંબઈની ઇનિંગ્સ ધીમી પડી ગઈ. જોકે, નમન ધીરે કેટલાક શોટ ફટકાર્યા અને મુંબઈનો સ્કોર 200 થી વધુ લઈ ગયો. નમન 37 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા 15 રન બનાવીને આઉટ થયો. પંજાબ તરફથી અઝમતુલ્લાહે બે વિકેટ લીધી, જ્યારે જેમીસન, સ્ટોઈનિસ, વિશાક અને ચહલે એક-એક વિકેટ લીધી હતી.

વરસાદના કારણે મેચ બે કલાક અને 15 મિનિટ મોડી શરૂ થઈ હતી. મેચમાં ટોસ થયો હતો, પરંતુ મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદ પડ્યો હતો જેના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. જોકે, ઓવરોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો ન હતો.