RR Qualify IPL 2026 Playoffs: આઈપીએલ (IPL) 2026 માં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઈન્ડિયન્સને 30 રનથી હરાવીને પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 205 રનનો મોટો સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં મુંબઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 175 રન જ બનાવી શકી હતી. આ શાનદાર જીત સાથે જ રાજસ્થાન પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. જ્યારે બીજી તરફ, રાજસ્થાનની આ જીતે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઓફમાં પહોંચવાની તમામ ગણતરીઓ ઊંધી પાડી દીધી છે અને બંને ટીમો ટૂર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે.

Continues below advertisement

રાજસ્થાન 7મી વખત અંતિમ ચારમાં

તમને જણાવી દઈએ કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલાથી જ અંતિમ ચારમાં પોતાનું સ્થાન પાકું કરી ચૂક્યા છે. IPL ના ઇતિહાસમાં આ 7મી વખત બન્યું છે જ્યારે રાજસ્થાન રોયલ્સે પ્લેઓફની ટિકિટ કપાવી હોય. નોંધનીય છે કે, આ લીગમાં સૌથી વધુ 12 વખત પ્લેઓફમાં પહોંચવાનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે છે. કેપ્ટન તરીકે રિયાન પરાગ માટે પણ પોતાની ટીમને પ્લેઓફ સુધી પહોંચાડવી એ એક બહુ મોટી અને મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

Continues below advertisement

સૂર્યકુમાર યાદવે એકલે હાથે લડત આપી

મેચની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સ તો પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું હતું. વાનખેડેના મેદાન પર 206 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. હિટમેન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો, જેનાથી મુંબઈની હારનો પાયો નંખાઈ ગયો હતો. માત્ર 38 રનના સ્કોર પર મુંબઈની 4 વિકેટો પડી ગઈ હતી. જોકે, ત્યારબાદ સૂર્યકુમાર યાદવે હાર ન માની અને પહેલા વિલ જેક્સ સાથે મળીને 63 રનની અને પછી હાર્દિક પંડ્યા સાથે 48 રનની શાનદાર ભાગીદારી કરી. સૂર્યા 42 બોલમાં 60 રન ફટકારીને આઉટ થયો. હાર્દિક પંડ્યાએ પણ માત્ર 15 બોલમાં 34 રનની ધમાકેદાર ઈનિંગ રમી, પરંતુ તે પોતાની ટીમને જીતની પાર પહોંચાડી શક્યો નહીં.

આ પણ વાંચોઃ IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?

પંજાબ અને કોલકાતાની સફર પૂરી

રાજસ્થાનની જીતથી પંજાબ અને કોલકાતાની ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઓફમાં પહોંચવાની આશા મુંબઈ સામે રાજસ્થાનની હાર પર ટકેલી હતી. જો રાજસ્થાન હારી ગયું હોત તો બંને માટે દરવાજા ખુલ્લા રહી શક્યા હોત. પરંતુ હવે રાજસ્થાનના ખાતામાં 16 પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે પંજાબ પાસે 15 પોઈન્ટ છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ જો પોતાની છેલ્લી મેચ જીતી પણ લે, તો પણ તેઓ મહત્તમ 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે. તેથી હવે આ બંને ટીમોની IPL 2026 ની સફર પૂરી થઈ ગઈ છે.