RCB retained players list: IPL 2026 ની હરાજી પહેલા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ તેના જાળવી રાખેલા ખેલાડીઓની યાદી (RCB રીટેન્ડ પ્લેયર્સ લિસ્ટ) માં યશ દયાલ ને સામેલ કરીને મોટો વિવાદ ઊભો કર્યો છે. RCB ના આ નિર્ણયની વ્યાપક ટીકા થઈ રહી છે, કારણ કે યશ દયાલ હાલમાં બળાત્કાર અને POCSO એક્ટ હેઠળના ગંભીર ફોજદારી કેસનો સામનો કરી રહ્યો છે. ગયા વર્ષે ₹5 કરોડ માં જાળવી રખાયેલા આ ખેલાડીને ફરીથી રીટેન કરવાથી ફ્રેન્ચાઇઝીના વલણ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે અને સોશિયલ મીડિયા પર લોકો વિભાજિત થયા છે.
ગંભીર ફોજદારી આરોપો અને ક્રિકેટમાંથી સસ્પેન્શન
યશ દયાલ હાલમાં ગાઝિયાબાદ અને જયપુરમાં જાતીય શોષણ સંબંધિત બે અલગ-અલગ ગંભીર કેસનો સામનો કરી રહ્યો છે. આ આરોપોની ગંભીરતાને કારણે, આ વર્ષના ઓગસ્ટમાં, UP T20 લીગ ના આયોજકોએ યશ દયાલને લીગમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરી દીધો હતો, જ્યાં તે ગોરખપુર લાયન્સ ટીમ માટે રમવાનો હતો. આટલું જ નહીં, તેણે આ સ્થાનિક સિઝનમાં ઉત્તર પ્રદેશ માટે હજુ સુધી એક પણ મેચ રમી નથી, જે તેના ક્રિકેટ ભવિષ્યને જોખમમાં મૂકી રહ્યું છે.
RCB ના નિર્ણય પર સોશિયલ મીડિયામાં હોબાળો
આવા ગંભીર આરોપો હોવા છતાં RCB દ્વારા તેને જાળવી રાખવાના નિર્ણયથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. ઘણા ચાહકો અને વિવેચકો માને છે કે ફ્રેન્ચાઇઝીએ આ પગલું ભરીને સમાજને નકારાત્મક સંદેશ આપ્યો છે. જોકે, RCB ફ્રેન્ચાઇઝીએ યશ દયાલના રીટેન્શન અંગે કોઈ અલગ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. ટીમે એ પણ સ્પષ્ટ કર્યું નથી કે તેણે યશ દયાલ સામેના આરોપો અંગે BCCI નો સંપર્ક કર્યો છે કે કેમ. યશ દયાલે IPL 2025 ની ફાઈનલ બાદ કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ રમી નથી, તેમ છતાં તેને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે.