Bengaluru IPL Celebration: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન બન્યું હતું.  ૩ જૂનની રાત્રે બેંગલુરુમાં કોઈ સૂતું નહોતું! શહેરના રસ્તાઓ લાલ જર્સી પહેરેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સમર્થકોથી છલકાઈ ગયા હતા અને આકાશ 'આરસીબી અને કોહલી' ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.

આરસીબી ટીમને છેલ્લા 18 વર્ષમાં આ તક મળી ન હતી. ક્યારેક ચેન્નાઈમાં ઉજવણી થઈ તો ક્યારેક મુંબઈમાં. વિજયની આ ઉજવણી કોલકાતા, હૈદરાબાદ અને જયપુરમાં પણ થઇ હતી પરંતુ દર વખતે બેંગલુરુમાં નિરાશા છવાઈ ગઈ હતી. ૩ જૂનના રોજ બેંગલુરુના લોકોએ પહેલીવાર તેનો અનુભવ કર્યો.

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, 'આ જીત સાથે તમે કર્ણાટકના દરેક વ્યક્તિનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ સમગ્ર આરસીબી સેના માટે ભાવનાત્મક ક્ષણ છે. કર્ણાટક ગર્વ અનુભવે છે.'

લોકો આરસીબીના બેનરો અને ધ્વજ લઈને બાઇક અને કારમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. હવે તેઓ તેમના ચેમ્પિયનની રાહ જોઈ રહ્યા છે. બેંગલુરુ આગામી થોડા દિવસો સુધી લાલ રંગથી રંગાયેલું જોવા મળશે. 

IPL 2008માં શરૂ થઇ હતી અને અત્યાર સુધી તેની 18 સીઝન થઇ ચૂકી છે. જો જોવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ IPLમાં સૌથી વધુ ટાઇટલ જીત્યા છે. બંનેએ 5-5 વખત ટાઇટલ જીત્યું છે. કોલકાતા નાઈટ રાઇડર્સ 3 વખત (2012, 2014 અને 2024) IPL ચેમ્પિયન બન્યા હતા. ચેમ્પિયન બનેલી ટીમોની યાદીમાં રાજસ્થાન રોયલ્સ (2008), ડેક્કન ચાર્જર્સ (2009), સનરાઇઝર્સ હૈદરાબાદ (2016), ગુજરાત ટાઇટન્સ (2022) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (2025)નો પણ સમાવેશ થાય છે.