RCB vs GT: આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો હતો. આ શાનદાર મેચમાં ગુજરાત ટાઈટન્સે બેંગ્લુરુને  8 વિકેટે હરાવ્યું હતું. જોસ બટલરે આ મેચમાં તોફાની પ્રદર્શન કર્યું હતું. બટલરે 39 બોલનો સામનો કરીને અણનમ 73 રન બનાવ્યા હતા. બટલરની આ ઇનિંગમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા.






રધરફોર્ડે અણનમ 30 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 49 રનની શાનદાર ઈનિંગ રમી હતી. RCBએ ગુજરાતને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમે 17.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી.   


બેંગલુરુએ પ્રથમ રમતા 169 રન બનાવ્યા હતા


ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 વિકેટે હરાવ્યું છે. IPL 2025 માં, RCB તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ વખત રમી રહ્યું હતું, પરંતુ ત્યાં તેને નિરાશા હાથ લાગી હતી. સતત 2 જીત નોંધાવ્યા બાદ બેંગલુરુને ગુજરાતના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બેંગલુરુએ પ્રથમ રમતા 169 રન બનાવ્યા હતા, જવાબમાં ગુજરાતે 13 બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.


સિરાજની 3 વિકેટ


એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મોહમ્મદ સિરાજે ગુજરાતની જીતનો પાયો નાખ્યો હતો. સિરાજની 3 વિકેટના કારણે RCB 169 રનના સ્કોર સુધી જ સિમિત રહી ગયું હતું. લિયામ લિવિંગસ્ટોને બેંગલુરુ માટે 54 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદાર સહિતના પ્રખ્યાત બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા.


RCB જીતની હેટ્રિક ચૂકી ગયું 


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025માં તેમની પ્રથમ બંને મેચ જીતી હતી. પહેલા તેણે KKR ને 7 વિકેટે હરાવ્યું, પછી ચેન્નાઈ સુપર કિંગ્સ પર 50 રને વિજય નોંધાવ્યો. પરંતુ હવે ગુજરાતે રજત પાટીદારના દિગ્ગજ ખેલાડીઓને 8 વિકેટે જીત નોંધાવીને જીતની હેટ્રિક ફટકારતા અટકાવ્યા છે.


RCB સામેની મેચમાં 170 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ગુજરાત ટાઇટન્સ ટીમને 32ના સ્કોર પર પહેલો ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો, જે માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી સાઈ સુદર્શનને જોસ બટલરનો સાથ મળ્યો અને તેઓએ સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં ટીમનો સ્કોર 42 રન સુધી પહોંચાડ્યો અને ત્યાર બાદ બીજી વિકેટ માટે બંને વચ્ચે 47 બોલમાં 75 રનની ભાગીદારી થઈ. સાઈ સુદર્શન 36 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે બટલરે અંત સુધી બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી.