RCB vs KKR Match Highlights IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ ના પુનઃપ્રારંભની પહેલી જ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. આજે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાનારી ૫૮મી મેચ સતત વરસાદના કારણે રદ કરવી પડી છે. આના કારણે ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને KKR ટીમને મોટો આંચકો લાગ્યો છે.
બેંગલુરુ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ પડી રહ્યો છે. આજે મેચના દિવસે પણ સતત વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે મેચનો ટોસ પણ થઈ શક્યો ન હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ, આખરે મેચને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચ રદ થવાને કારણે બંને ટીમોને નિયમ મુજબ એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે.
KKR ના પ્લેઓફ સપના પર પાણી ફરી વળ્યું
આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે અત્યંત મહત્વની હતી. KKR પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી તેના માટે લગભગ ફરજિયાત હતી. જોકે, વરસાદને કારણે મેચ રદ થતાં અને ફક્ત ૧ પોઈન્ટ મળવાથી KKR ની પ્લેઓફમાં પહોંચવાની આશા ઠગારી નીવડી છે. આ પરિણામ સાથે, કોલકાતા નાઈટ રાઈડર્સ IPL ૨૦૨૫ ની પ્લેઓફ રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે.
બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે આ પરિણામ પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરનારું છે. ૧ પોઈન્ટ મળવાથી RCB ની સ્થિતિ વધુ મજબૂત બની છે.
KKR માટે વરસાદ વિલન બન્યો
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે વરસાદ ખલનાયક સાબિત થયો છે. KKR માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ હતી કારણ કે RCB ને હરાવીને જ તેમની પ્લેઓફની આશા જીવંત રહી શકે છે. હવે KKR પાસે 13 મેચમાંથી પાંચ મેચ જીત્યા બાદ 12 પોઈન્ટ છે. હવે તેની પાસે ફક્ત એક જ મેચ બાકી છે, જે જીતીને તે 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
ચાહકો નિરાશ, વિરાટને જોઈ ન શક્યા
'ઓપરેશન સિંદૂર' પછી IPL ની આ પહેલી મેચ હોવાથી ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ હતો અને તેઓ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લાઈવ એક્શન જોવા માટે ઉત્સુક હતા. ખાસ કરીને વિરાટ કોહલીના ચાહકો મોટી સંખ્યામાં મેદાન પર આવ્યા હતા. ઘણા ચાહકો તો સફેદ જર્સી પહેરીને પણ આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે તેઓ વિરાટને મેદાન પર રમતા જોઈ શક્યા ન હતા. સતત વરસાદના કારણે મેદાન કવરથી ઢંકાયેલું રહ્યું હતું, જેનાથી સ્ટેડિયમ જાણે સફેદ રંગથી રંગાયેલું લાગતું હતું.