Rinku Singh match winning innings: ક્રિકેટની રમતમાં ક્યારે બાજી પલટાઈ જાય તે કહેવું મુશ્કેલ છે, અને વિકટ પરિસ્થિતિમાં જ ખરા મેચ વિનરની ઓળખ થાય છે. IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં આવું જ કંઈક જોવા મળ્યું. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા અને ટીમમાંથી પડતા મુકવાની ઉઠી રહેલી માંગ વચ્ચે, રિંકુ સિંહે શાનદાર કમબેક કર્યું છે. તેણે 34 બોલમાં અણનમ 53 રનની તોફાની ઇનિંગ રમીને રાજસ્થાનના હાથમાંથી જીત છીનવી લીધી અને કોલકાતાને આ સિઝનની પહેલી જીત અપાવી. આ ઐતિહાસિક જીત બાદ રિંકુએ પોતાના સંઘર્ષ, નસીબ અને આત્મવિશ્વાસ વિશે દિલ ખોલીને વાત કરી છે.
આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી KKR ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 14મી ઓવર સુધીમાં તો માત્ર 85 રનના સ્કોર પર ટીમે 6 વિકેટ ગુમાવી દીધી હતી. જીતવા માટે જરૂરી રનરેટ 12 સુધી પહોંચી ગયો હતો અને એવું લાગી રહ્યું હતું કે કોલકાતા આ મેચ સરળતાથી હારી જશે. પરંતુ, રિંકુ સિંહ (34 બોલમાં અણનમ 53) અને અનુકુલ રોય (16 બોલમાં અણનમ 29) એ મેદાન પર પગ જમાવ્યો અને આખી ગેમ જ પલટી નાખી. લગભગ ત્રણ વર્ષ બાદ રિંકુના બેટમાંથી નીકળેલી આ ફિફ્ટીએ ટીમને હારેલી બાજી જીતાડી દીધી.
મેચ બાદ પોતાના ખરાબ ફોર્મ અને આ ઇનિંગ વિશે વાત કરતા રિંકુ સિંહે કહ્યું, "ઘણીવાર એવું બને છે કે જ્યારે વસ્તુઓ તમારા ધાર્યા મુજબ ન થતી હોય, ત્યારે અંદરથી પેલો ઉત્સાહ નથી આવતો. એવું નહોતું કે હું શોટ્સ રમવામાં અચકાતો હતો, બસ મારો ઇરાદો મેચને અંત સુધી લઈ જવાનો હતો. ક્યારેક તમારું મગજ યોગ્ય રીતે કામ કરતું નથી અને તમે ખોટા શોટ્સ રમી બેસો છો. પણ સદનસીબે આજે નસીબ મારી સાથે હતું અને અમે મેચ જીતી ગયા."
રિંકુએ વધુમાં સ્વીકાર્યું કે આ ઇનિંગમાં નસીબે ખરેખર તેનો સાથ આપ્યો. ઉલ્લેખનીય છે કે જ્યારે તે 10 રન પર રમી રહ્યો હતો, ત્યારે નાંદ્રે બર્ગરે તેનો એક એકદમ આસાન કેચ છોડ્યો હતો (જીવતદાન આપ્યું હતું). બસ આ તક મળ્યા પછી રિંકુએ પાછળ વળીને જોયું નહીં અને 5 ચોગ્ગા તથા 2 છગ્ગા ફટકારી દીધા.
પોતાના ફોર્મમાં પરત ફરવા અંગે ખુશી વ્યક્ત કરતા તેણે આગળ કહ્યું કે, "હું લાંબા સમયથી આવી એક મોટી ઇનિંગની રાહ જોઈ રહ્યો હતો. મેં ઘણી ઇનિંગ્સ રમી હતી પણ મોટો સ્કોર નહોતો બની રહ્યો. આ ઇનિંગ મારા માટે અને મારા પાછા ફરેલા આત્મવિશ્વાસ માટે ખૂબ જ જરૂરી હતી." ખરાબ સમયમાંથી બહાર આવીને રિંકુએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે શા માટે તેને KKR નો સૌથી ભરોસાપાત્ર મેચ ફિનિશર માનવામાં આવે છે.
