rr vs srh eliminator highlights 2026: IPL 2026 ના રોમાંચક એલિમિનેટર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું છે. આ મેચનો અસલી હીરો વૈભવ સૂર્યવંશી રહ્યો, જેના બેટથી આવેલા તોફાન સામે હૈદરાબાદના બોલરો સાવ લાચાર દેખાયા. આ શાનદાર જીત સાથે રાજસ્થાને હવે ક્વોલિફાયર 2 માં એન્ટ્રી કરી લીધી છે, જ્યાં 29 મેના રોજ તેનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. જ્યારે હૈદરાબાદની સફર આ હાર સાથે જ પૂરી થઈ ગઈ છે.

Continues below advertisement

પ્લેઓફના ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર

મુલ્લાનપુરના મેદાન પર રમાયેલી આ 'કરો યા મરો' મેચમાં રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 243 રનનો ડુંગર જેવો સ્કોર ખડકી દીધો હતો, જે પ્લેઓફના ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે. આ મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ પૂરી 20 ઓવર રમીને માત્ર 196 રન જ બનાવી શકી. હૈદરાબાદને મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે અત્યાર સુધી જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલા અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેન જેવા દિગ્ગજ બેટ્સમેનો આ મહત્વની મેચમાં જ ફ્લોપ સાબિત થયા.

Continues below advertisement

વૈભવે સર્જ્યો નવો ઈતિહાસ, તૂટ્યો ગેઇલનો રેકોર્ડ

આ મેચ સંપૂર્ણપણે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના નામે રહી. તેણે એવી આક્રમક બેટિંગ કરી કે રાજસ્થાનનો સ્કોર માત્ર 8 ઓવરમાં જ 125 રને પહોંચી ગયો હતો. વૈભવે માત્ર 29 બોલમાં જ 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમી નાખી. જોકે, તે પોતાની ઇનિંગના 29મા બોલ પર આઉટ થઈ ગયો, નહીંતર ક્રિસ ગેઇલનો સૌથી ઝડપી સદી (30 બોલ) નો મોટો રેકોર્ડ પણ આજે તૂટી જાત. આમ છતાં, તેણે એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો કીર્તિમાન તો પોતાના નામે કરી જ લીધો છે. IPL 2026 માં વૈભવના નામે હવે 65 સિક્સર થઈ ગઈ છે, જ્યારે અગાઉ ગેઇલે 2012 ની સિઝનમાં 59 સિક્સર ફટકારી હતી.

આ પણ વાંચોઃ IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ

હવે ગુજરાત ટાઇટન્સ સામે થશે ટક્કર

એલિમિનેટરમાં શાનદાર જીત મેળવ્યા બાદ હવે રાજસ્થાન રોયલ્સનો રસ્તો ક્વોલિફાયર 2 માટે સાફ થઈ ગયો છે. હવે તેમનો સામનો મુલ્લાનપુરના જ મેદાન પર ગુજરાત ટાઇટન્સ સામે થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ટીમને ક્વોલિફાયર 1 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે રાજસ્થાન અને ગુજરાતમાંથી જે પણ ટીમ જીતશે, તે સીધી ફાઇનલમાં પહોંચીને ટ્રોફી માટે મજબૂત મનાતી RCB સામે ટકરાશે.

આ પણ વાંચોઃ IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો