Iyer vs umpire DRS: IPL 2025ની એક રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને ભલે હરાવી દીધું હોય, પરંતુ આ મેચ દરમિયાન એક એવી ઘટના બની જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યર મેચ દરમિયાન અમ્પાયરના એક નિર્ણયથી નારાજ જોવા મળ્યા હતા અને તેમણે મેદાન પર જ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ઘટના DRS (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) લેવા દરમિયાન બની હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 245 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, પરંતુ અભિષેક શર્માની 141 રનની ધમાકેદાર ઇનિંગના કારણે હૈદરાબાદે આ લક્ષ્યાંક 9 બોલ બાકી રહેતા જ 8 વિકેટે હાંસલ કરી લીધો હતો. આ મેચ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ ચાલી રહી હતી ત્યારે 5મી ઓવરમાં એક વિવાદાસ્પદ ઘટના બની હતી.

પાવરપ્લેમાં ગ્લેન મેક્સવેલ બોલિંગ કરી રહ્યો હતો અને ઓવરના બીજા બોલ પર બોલ બેટ્સમેન ટ્રેવિસ હેડના લેગ સાઇડમાંથી પસાર થઈને વિકેટકીપરના ગ્લોવ્સમાં ગયો હતો. બોલર અને વિકેટકીપર બંનેએ આઉટની અપીલ કરી હતી. ફિલ્ડ અમ્પાયરે તરત જ પાછળ ફરીને થર્ડ અમ્પાયરને DRS માટે સંકેત આપ્યો હતો. પરંતુ અહીં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યર ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા.

નિયમો અનુસાર, DRS લેવો કે નહીં તેનો નિર્ણય કેપ્ટન દ્વારા લેવામાં આવે છે અને અમ્પાયરે પણ તેના નિર્ણય પછી જ DRSનો સંકેત આપવો પડે છે. પરંતુ આ વખતે એવું લાગી રહ્યું હતું કે અમ્પાયરે શ્રેયસ ઐય્યરને પૂછ્યા વિના જ DRS માટે સંકેત આપી દીધો હતો. આથી જ શ્રેયસ ઐય્યર પીચ તરફ દોડી આવ્યા અને અમ્પાયરને ઉગ્ર સ્વરમાં પૂછ્યું કે તેમણે DRS લેવા માટે તેમને કેમ પૂછ્યું નહીં. આ દરમિયાન અય્યર ગુસ્સામાં દેખાતા હતા, જોકે બાદમાં તેમણે પોતે જ DRS લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તે નિર્ણય તેમના પક્ષમાં આવ્યો ન હતો.

આ મેચમાં ટ્રેવિસ હેડે પણ 37 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેક શર્માએ 55 બોલમાં 141 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી, જે IPLમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ છે.

શ્રેયસ અય્યરની કેપ્ટન્સી હેઠળ પંજાબ કિંગ્સે આ સિઝનમાં શરૂઆતની 5 મેચોમાંથી 3 જીતી છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. જો કે, સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આ હાર તેમની સિઝનની બીજી હાર હતી અને કેપ્ટન શ્રેયસ ઐય્યર અમ્પાયર સાથેના વિવાદને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા.