IPL 2026 ની 31મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ્સ (DC) સામે રમાયેલી મેચમાં સદી ફટકારી.
SRH vs DC: અભિષેકની તોફાની સદીથી હૈદરાબાદની મોટી જીત, પોઈન્ટ ટેબલમાં મચી ઉથલપાથલ
srh vs dc highlights: હૈદરાબાદે 242 રનનો પહાડ ખડક્યો, પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થતા રાજસ્થાન ચોથા ક્રમે ધકેલાયું.

- અભિષેક શર્માની અણનમ ૧૩૫ રનની સદી, હૈદરાબાદ ૨૪૨ રન બનાવ્યા.
- દિલ્હી કેપિટલ્સ ૨૪૩ રનના લક્ષ્યાંક સામે ૧૯૫ રન બનાવી ઓલઆઉટ.
- હૈદરાબાદે દિલ્હીને ૪૭ રનથી હરાવી, પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને.
- અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગ, ૧૦ ચોક્કા અને ૧૦ છક્કા ફટકાર્યા.
srh vs dc highlights: IPL 2026 ની 31મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાયેલા મુકાબલામાં અભિષેક શર્માએ સદી ફટકારીને તરખાટ મચાવી દીધો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી આ મેચમાં SRH એ દિલ્હીને 47 રનથી કચડીને એકતરફી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 242 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો, જેના જવાબમાં દિલ્હીની ટીમ માત્ર 195 રન જ બનાવી શકી હતી. 68 બોલમાં અણનમ 135 રન બનાવનાર અભિષેક શર્મા આ ભવ્ય જીતનો હીરો રહ્યો હતો. આ શાનદાર જીત સાથે જ IPL ના પોઈન્ટ ટેબલમાં પણ મોટો ઉલટફેર જોવા મળ્યો છે.
અભિષેક શર્માનું વાવાઝોડું અને દિલ્હીના બોલરો પસ્ત
ટોસ જીતીને દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ હૈદરાબાદના બેટ્સમેનોએ આ નિર્ણય સાવ ખોટો સાબિત કરી દીધો. ઓપનિંગમાં આવેલા અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી, જેના કારણે પાવરપ્લેમાં જ ટીમે 67 રન બનાવી લીધા હતા. માત્ર 25 બોલમાં પોતાની ફિફ્ટી (અડધી સદી) પૂરી કરનાર અભિષેકે છેલ્લે સુધી અડગ રહીને 68 બોલમાં અણનમ 135 રન ફટકાર્યા હતા. પોતાની આ વિસ્ફોટક ઇનિંગમાં તેણે 10 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગા લગાવ્યા હતા.
બીજી તરફ ટ્રેવિસ હેડે 37 રન બનાવ્યા, જ્યારે અભિષેકે કેપ્ટન ઈશાન કિશન (25 રન) સાથે મળીને 35 બોલમાં 79 રનની શાનદાર ભાગીદારી કરી હતી. અંતમાં હેનરિક ક્લાસેને પણ માત્ર 13 બોલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 37 રન ઝૂડી કાઢીને સ્કોર 242 સુધી પહોંચાડ્યો હતો. અભિષેકે ખાસ કરીને દિલ્હીના સ્પિનરોને નિશાન બનાવ્યા હતા અને નીતિશ રાણા તેમજ કુલદીપ યાદવની ઓવરોમાં જોરદાર છગ્ગા ફટકાર્યા હતા.
દિલ્હીની ખરાબ શરૂઆત અને બોલરોનો કમાલ
243 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર પથુમ નિસન્કા માત્ર 8 રન બનાવીને જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે, ત્યારબાદ કેએલ રાહુલ (23 બોલમાં 37 રન) અને નીતિશ રાણા (30 બોલમાં 57 રન) એ સારી ભાગીદારી નોંધાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતો નહોતો. હૈદરાબાદની બોલિંગ પણ શાનદાર રહી હતી; એહસાન મલિંગાએ સૌથી વધુ 4 વિકેટ અને હર્ષ દુબેએ 3 વિકેટ ઝડપીને દિલ્હીની કમર તોડી નાખી હતી. જ્યારે શાકિબ હુસૈન અને મધુશંકાને 1 1 વિકેટ મળી હતી.
પોઈન્ટ ટેબલમાં સર્જાઈ ઉથલપાથલ
હૈદરાબાદની આ શાનદાર જીત અને દિલ્હીની હારને કારણે IPL 2026 ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થઈ ગયો છે.
7 મેચમાંથી 4 જીત સાથે હવે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સીધી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
હૈદરાબાદની એન્ટ્રીથી રાજસ્થાન રોયલ્સ હવે ચોથા સ્થાને સરકી ગયું છે.
હાલમાં પોઈન્ટ ટેબલમાં પંજાબ પહેલા સ્થાને અને RCB બીજા સ્થાને બિરાજમાન છે.
Frequently Asked Questions
SRH અને DC વચ્ચે રમાયેલી IPL 2026ની 31મી મેચમાં કોણે સદી ફટકારી?
SRH એ DC ને કેટલા રનથી હરાવ્યું?
SRH એ DC ને 47 રનથી હરાવીને એકતરફી જીત મેળવી છે. SRH એ 242 રન બનાવ્યા હતા અને DC 195 રન જ બનાવી શકી હતી.
અભિષેક શર્માએ DC સામે કેટલા રન બનાવ્યા?
અભિષેક શર્માએ DC સામે 68 બોલમાં અણનમ 135 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા.
IPL 2026ના પોઈન્ટ ટેબલમાં SRHની જીત બાદ શું ફેરફાર થયો?
SRHની જીત બાદ IPL 2026ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. SRH 4 જીત સાથે સીધી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે અને રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાને સરકી ગયું છે.



















