Hardik Pandya: મુંબઇ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા દિલ્હી કેપિટલ્સ સામે બેટિંગ કરવા આવ્યો ત્યારે અમ્પાયરે એક ખાસ વસ્તુથી તેનું બેટ ચેક કર્યું હતું. અમ્પાયરે હાર્દિક પંડ્યાનું બેટ ચેક કર્યા પછી જ તે બેટિંગ કરી શક્યો હતો. પણ શા માટે? ચાલો તમને આ પાછળનું કારણ જણાવીએ.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 205 રન બનાવ્યા. રોહિત શર્મા 18 રન કરીને આઉટ થયો હતો. રાયન રિકેલ્ટને 25 બોલમાં 41 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ પછી સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 40 રનની વિસ્ફોટક ઇનિંગ રમી અને તિલક વર્માએ 33 બોલમાં 59 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. મુંબઈને 135 રનના સ્કોર પર સૂર્યાના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો હતો.
અમ્પાયરે હાર્દિક પંડ્યાનું બેટ કેમ ચેક કર્યું?
જ્યારે હાર્દિક બેટિંગ કરવા આવ્યો ત્યારે અમ્પાયરે તપાસ કરી કે તેના બેટનું કદ IPLના નિયમો મુજબ છે કે નહીં. જો આ ન બન્યું હોત તો તેમના માટે મુશ્કેલી ઊભી થઈ હોત. નિયમો અનુસાર, બેટની પહોળાઈ 4.25 ઇંચ (અથવા 10.8 સેન્ટિમીટર) થી વધુ ન હોવી જોઈએ. કિનારી 1.56 ઇંચ (અથવા 4.0 સે.મી.) સુધી અને ઊંડાઈ 2.64 ઇંચ (6.7 સે.મી.) સુધી હોવી જોઈએ. બેટ આ સૂચનાઓનું પાલન કરે છે કે નહીં તે ચકાસવા માટે અમ્પાયર બેટને એક સાધન દ્વારા પસાર કરે છે.
આઈપીએલમાં મોટા સ્કોર જોવા મળી રહ્યા છે. અમ્પાયરો આ નિયમોનું કડક પાલન કરી રહ્યા છે. અમ્પાયરો તપાસ કરે છે કે શું બેટ્સમેન નિયમો વિરુદ્ધ જઈને અન્યાયી લાભ લઈ રહ્યા છે. શું બેટ્સમેન ખૂબ પહોળા કે ખૂબ જાડા બેટ વાપરી રહ્યા છે?
જોકે, હાર્દિક પંડ્યા પહેલો ખેલાડી નથી જેના બેટને મેદાન પર અમ્પાયર દ્વારા આ રીતે ચેક કરવામાં આવ્યો હોય. તેમના પહેલા રવિવારે રમાયેલી પહેલી મેચમાં ફિલ સોલ્ટ અને શિમરોન હેટમાયરના બેટ પણ અમ્પાયર દ્વારા તપાસવામાં આવ્યા હતા.
205 રનનો પીછો કરતાં દિલ્હી કેપિટલ્સ 193 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જોકે, કરુણ નાયર (89) બેટિંગ કરી રહ્યા હતા ત્યાં સુધી મુંબઈ ઇન્ડિયન્સ મેચમાં પાછળ હતી. તેના આઉટ થયા પછી મુંબઈએ ફરીથી મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. કરણ શર્માએ 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સીઝનમાં મુંબઈનો આ બીજો વિજય અને દિલ્હીનો પહેલો પરાજય છે.