IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સે સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાની ટીમ 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈના બોલર અશ્વિની કુમારે પોતાની આઈપીએલ ડેબ્યૂ મેચ રમી હતી, જેમાં તેણે 4 વિકેટ લીધી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે 13મી ઓવરમાં જીત મેળવી હતી. ઓપનર રેયાન રિકલ્ટને અણનમ 62 રન ફટકાર્યા હતા. 8 વિકેટથી મોટી જીત નોંધાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના નેટ રન રેટમાં નોંધપાત્ર સુધારો થયો છે. મુંબઇએ પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે જ્યારે આ હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ છેલ્લા સ્થાને સરકી ગયું છે.
IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સનો આ પહેલો વિજય છે,તેઓ શરૂઆતની બંને મેચ હારી ગયા હતા. જ્યારે કેકેઆરે પહેલી મેચ હાર્યા બાદ બીજી મેચ જીતી હતી. આ તેની ત્રીજી મેચ અને બીજી હાર પણ હતી. બંને ટીમોની સ્થિતિ સમાન છે પરંતુ 43 બોલ બાકી રહેતા 8 વિકેટથી મોટી જીત નોંધાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના નેટ રન રેટમાં નોંધપાત્ર સુધારો થયો છે.
મુંબઈ ઈન્ડિયન્સ 10મા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયું
આ મેચ પહેલા (MI vs KKR 2025) મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતું. ટીમે 43 બોલ બાકી રહેતા KKR ને 8 વિકેટે હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં 5 ટીમો છે જેમણે 3 માંથી 1 મેચ જીતી છે. પરંતુ બધામાં મુંબઈ ઇન્ડિયન્સનો નેટ રન રેટ સૌથી સારો (+0.309) છે. કોલકાતાને હરાવ્યા બાદ ટીમ 10મા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
આ મેચ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ છઠ્ઠા સ્થાને હતું પરંતુ મેચ હાર્યા બાદ તેઓ 10મા સ્થાને સરકી ગયા છે. તેનો નેટ રન રેટ -1.428 બધી ટીમોમાં સૌથી ખરાબ છે.
પોઈન્ટ ટેબલમાં RCB ટોચ પર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમે રમાયેલી બંને મેચ જીતી છે અને તેનો નેટ રન રેટ શ્રેષ્ઠ (+2.266) છે. ટોચના 4માં RCB ની સાથે દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સનો સમાવેશ થાય છે.