Vaibhav Suryavanshi AI chip: IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી દીધી છે. હાલમાં જ મંગળવારે (28 એપ્રિલ) પંજાબ કિંગ્સ સામે માત્ર 16 બોલમાં 43 રનની તોફાની ઇનિંગ રમીને તેણે ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી છે. પરંતુ તેની આ શાનદાર બેટિંગ જોઈને પાકિસ્તાની ક્રિકેટ એક્સપર્ટ નૌમાન નિયાઝે એવો ગંભીર અને અજીબ આરોપ લગાવ્યો હતો કે વૈભવના બેટમાં 'AI ચિપ' લાગેલી છે, જે તેને આવી બેટિંગ કરવામાં મદદ કરી રહી છે. હવે આ સમગ્ર વિવાદ પર વૈભવે પોતે મૌન તોડ્યું છે અને એક વીડિયોમાં રમુજી અંદાજમાં પોતાનો જવાબ આપીને બધાની બોલતી બંધ કરી દીધી છે.
વૈભવ સૂર્યવંશીએ શું આપ્યો જવાબ?
રાજસ્થાન રોયલ્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જ્યારે વૈભવને પૂછવામાં આવ્યું કે, "શું સાચે જ તારા બેટમાં કોઈ AI ચિપ લાગેલી છે?" ત્યારે આ સવાલનો એકદમ મજેદાર અને રમુજી જવાબ આપતા વૈભવે કહ્યું કે, "આ તો ભગવાને આપેલું છે. ઉપરવાળાએ મને ત્યાં જ કહ્યું હતું કે હું તને બેટ સાથે કંઈક લગાવીને આપી રહ્યો છું, અને બસ હું તેનો જ ઉપયોગ કરી રહ્યો છું."
વૈભવના શિરે સજી ઓરેન્જ કેપ
ઉલ્લેખનીય છે કે, વૈભવ સૂર્યવંશી અત્યારે આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને ઓરેન્જ કેપનો હકદાર બની ગયો છે. તેણે અત્યાર સુધી રમેલી 9 મેચોની 9 ઇનિંગ્સમાં 44.44 ની શાનદાર સરેરાશ અને 238.10 ના ખતરનાક સ્ટ્રાઇક રેટથી કુલ 400 રન ફટકાર્યા છે. આ શાનદાર પ્રદર્શન દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 2 અડધી સદી પણ નીકળી છે. ઓરેન્જ કેપની આ રેસમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો અભિષેક શર્મા 380 રન સાથે બીજા નંબર પર છે.
આ પણ વાંચોઃ કિંગ કોહલીનો વધુ એક કીર્તિમાન: IPL ના ઈતિહાસમાં રચ્યો આ મહારેકોર્ડ, બન્યો દુનિયાનો પ્રથમ ખેલાડી
કેવી રહી છે વૈભવની IPL કારકિર્દી?
જો વૈભવની ઓવરઓલ IPL કારકિર્દી પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધીમાં કુલ 16 મેચ રમી છે. આ 16 ઇનિંગ્સમાં બેટિંગ કરતા તેણે 40.75 ની એવરેજ અને 224.82 ના જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી 652 રન બનાવ્યા છે. પોતાની આ નાની પણ પ્રભાવશાળી કારકિર્દીમાં તેણે 2 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે, જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 103 રન રહ્યો છે. આ ઉપરાંત, તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 52 ચોગ્ગા અને 61 છગ્ગા ફટકારીને બોલરોના પરસેવા છોડાવી દીધા છે.
