Vaibhav Suryavanshi IPL 2026: ક્રિકેટની દુનિયામાં અત્યારે એક જ નામની ભારે ચર્ચા છે, અને તે છે 15 વર્ષનો યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી. IPL 2026 ની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ ઓપનિંગ બેટ્સમેને સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોના રીતસરના છોતરા કાઢી નાખ્યા હતા. માત્ર 36 બોલમાં પોતાની IPL કરિયરની બીજી સદી ફટકારીને વૈભવે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ સાથે જ તેણે T20 ક્રિકેટમાં 1000 રન પૂરા કરીને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
જયપુરમાં રમાયેલી આ મેચમાં વૈભવે પહેલા જ બોલથી આક્રમક બેટિંગ ચાલુ કરી દીધી હતી. તેણે હૈદરાબાદના બોલરોની બરાબરની ધોલાઈ કરતા માત્ર 15 બોલમાં જ પોતાની અડધી સદી (ફિફ્ટી) પૂરી કરી લીધી હતી. ત્યારબાદ પણ તેની રફ્તાર જરાય અટકી નહીં અને 12 ગગનચુંબી છગ્ગા તેમજ 5 શાનદાર ચોગ્ગાની મદદથી તેણે માત્ર 36 બોલમાં સદી પૂરી કરી લીધી. તમને જણાવી દઈએ કે, આ પહેલા IPL 2025 માં પણ તેણે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 34 બોલમાં સદી ફટકારીને સૌથી યુવા સેન્ચુરિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જે IPL ના ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી હતી.
આ વિસ્ફોટક ઇનિંગ દરમિયાન વૈભવે જેવો 45 રનનો આંકડો પાર કર્યો, કે તરત જ તેણે પોતાના T20 કરિયરના 1000 રન પૂરા કરી લીધા. આ સાથે જ માત્ર 15 વર્ષ અને 29 દિવસની ઉંમરે 1000 T20 રન બનાવનાર તે દુનિયાનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે, જે એક ઐતિહાસિક રેકોર્ડ છે. વૈભવે પોતાની 26મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. આમ કરીને તેણે 31 ઇનિંગમાં 1000 રન પૂરા કરનાર સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા છે. ભારતીય ખેલાડીઓમાં T20 માં સૌથી ઝડપી 1000 રન બનાવવાના લિસ્ટમાં દેવદત્ત પડિક્કલ 25 ઇનિંગ સાથે આગળ છે, જ્યારે વૈભવ હવે 26 ઇનિંગ સાથે આ યાદીમાં સામેલ થઈ ગયો છે (જેના પછી રોહન કદમ 27 અને સચિન 31 ઇનિંગનો નંબર આવે છે).
વૈભવનું આ ફોર્મ IPL 2026 માં ખૂબ જ ખતરનાક રહ્યું છે. તેણે માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારવાનું કારનામું આ સિઝનમાં ત્રીજી વાર કર્યું છે. આ જ કારણ છે કે તેણે 7 મેચોમાં 200 થી વધુના તોફાની સ્ટ્રાઇક રેટથી અત્યાર સુધીમાં 350 થી વધુ રન ઝૂડી કાઢ્યા છે. પોતાની ડેબ્યૂ સિઝનમાં એટલે કે ગયા વર્ષે પણ તેણે 8 મેચમાં 41.71 ની એવરેજ અને 229.92 ના સ્ટ્રાઇક રેટથી 292 રન બનાવ્યા હતા. 15 વર્ષનો આ છોકરો ખરેખર હવે ક્રિકેટ જગતનું નવું વાવાઝોડું સાબિત થઈ રહ્યો છે.
