vaibhav suryavanshi six to bumrah: આઈપીએલ (IPL) 2026 માં 7 એપ્રિલનો દિવસ ક્રિકેટ પ્રેમીઓ માટે એકદમ રોમાંચક અને યાદગાર બની ગયો છે. રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં એક 15 વર્ષના છોકરાએ દુનિયાના સૌથી ખતરનાક બોલર ગણાતા જસપ્રીત બુમરાહના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને આખા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. આ યુવા બેટ્સમેનનું નામ છે વૈભવ સૂર્યવંશી, જેનો આ વિસ્ફોટક બેટિંગનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વરસાદના વિઘ્નને કારણે આ મેચ 11-11 ઓવરની રમાડવામાં આવી હતી, જેમાં વૈભવે પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે.

મેચની શરૂઆત જ રાજસ્થાન માટે એકદમ ધમાકેદાર રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી દીપક ચહર પહેલી ઓવર નાખવા આવ્યો, જેમાં રાજસ્થાનના બેટ્સમેનોએ તેને બરાબરનો ઝૂડી નાખ્યો અને એ ઓવરમાં 22 રન આવ્યા. ત્યારબાદ, બીજી ઓવર નાખવા માટે કેપ્ટને બોલ જસપ્રીત બુમરાહના હાથમાં સોંપ્યો. ક્રીઝ પર 15 વર્ષનો યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી હતો, જે પહેલીવાર આઈપીએલમાં બુમરાહનો સામનો કરી રહ્યો હતો. બુમરાહે સ્લોટમાં એકદમ ફૂલ બોલ નાખ્યો, અને વૈભવે જરાય ડર્યા વગર લોંગ-ઓન પર એક ગગનચુંબી છગ્ગો ફટકારી દીધો. આ જોઈને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો પણ દંગ રહી ગયા હતા.

વરસાદથી પ્રભાવિત આ મેચમાં પાવરપ્લે માત્ર 3.2 ઓવરનો જ રાખવામાં આવ્યો હતો. આ ટૂંકા પાવરપ્લેમાં વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે મળીને મુંબઈના બોલરોની ધૂળ કાઢી નાખી અને 59 રન જોડી દીધા. વૈભવે બુમરાહને માત્ર એક જ નહીં, પરંતુ એ જ ઓવરના ચોથા બોલ પર પણ બીજો શાનદાર છગ્ગો ફટકાર્યો હતો.

આ 11 ઓવરની ટૂંકી મેચમાં વૈભવે માત્ર 14 બોલનો સામનો કર્યો અને 39 રનની તોફાની ઈનિંગ રમી નાખી. પોતાની આ નાની પણ વિસ્ફોટક ઈનિંગમાં તેણે 1 ચોગ્ગો અને 5 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા હતા. આ પાંચ છગ્ગાની સાથે જ વૈભવે હવે IPL 2026 માં સમીર રિઝવી સાથે સૌથી વધુ છગ્ગા મારવાના રેકોર્ડની બરાબરી પણ કરી લીધી છે.