IPL 2025: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ પંજાબ કિંગ્સને હરાવીને IPL 2025 ટ્રોફી જીતી અને ઇતિહાસ રચ્યો હતો. અનુષ્કા શર્મા વિરાટ કોહલીની ટીમની જીત પર ખુશીથી નાચતી જોવા મળી હતી. અહીં, મેચ પછી વિરાટ કોહલી તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માને ભેટી પડ્યો હતો જેની તસવીરો હવે વાયરલ થઈ રહી છે.
વિરાટ કોહલીએ IPL જીતનો શ્રેય અનુષ્કાને આપ્યો
નોંધનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 18 વર્ષની લાંબી રાહ પછી IPL ટ્રોફી જીતી છે. આ વિજયી ક્ષણ દરમિયાન વિરાટ કોહલી ભાવુક થઈ ગયો અને આ જીતનો શ્રેય તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માને આપ્યો અને કહ્યું, "તે 2014થી અહીં આવી રહી છે અને RCBને સમર્થન આપી રહી છે તેથી તેને પણ 11 વર્ષ થઈ ગયા છે. તે સતત ત્યાં રહી છે, મુશ્કેલ મેચો જોઈ રહી છે, અમને હારતા જોઈ રહી છે. તમારા જીવનસાથી તમારા માટે રમવા માટે શું કરે છે, બલિદાન, પ્રતિબદ્ધતા અને દરેક મુશ્કેલ સમયમાં તમને સમર્થન આપે છે. તે એવી વસ્તુ છે જે તમે શબ્દોમાં વર્ણવી શકતા નથી.
કોહલી લીગની શરૂઆતથી જ RCBનો ચહેરો રહ્યો છે, તેણે અનુષ્કાના પડદા પાછળના શાંત સંઘર્ષો વિશે વાત કરી. કોહલીએ કહ્યું, "જ્યારે તમે પ્રોફેશનલ રીતે રમો છો, ત્યારે જ તમને સમજાય છે કે પડદા પાછળ કેટલી બધી ઘટનાઓ બને છે અને તેઓ કઇ સ્થિતિમાંથી પસાર થાય છે. અનુષ્કાએ મારા સૌથી ખરાબ સમયમાં મને જોયો છે, મારી સાથેના બધા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ છે. તેણે બધું અનુભવ્યું છે - પીડા. તે બેંગલુરુ સાથે ખૂબ જ જોડાયેલી છે. તે બેંગલુરુની છોકરી પણ છે અને RCB સાથેનો તેનો સંબંધ મજબૂત છે. તેથી આ તેના માટે પણ ખૂબ જ ખાસ છે. તે ખૂબ ગર્વ અનુભવશે."
IPL જીત પછી અનુષ્કાને ગળે લગાવીને વિરાટ રડ્યો
2017માં લગ્ન કરનારા આ કપલે ઘણીવાર એકબીજાની કારકિર્દીને ટેકો આપ્યો છે અને પ્રશંસા કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામેની રોમાંચક IPL 2025 ફાઇનલ દરમિયાન અનુષ્કા સ્ટેન્ડમાં હાજર હતી. પંજાબ કિંગ્સ હારતા જ વિરાટ કોહલીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે અનુષ્કા શર્માને ગળે લગાવી અને ખૂબ રડ્યો હતો. વિજયનો આ આનંદ આંસુઓથી છલકાઈ રહ્યો હતો. અનુષ્કા તેના પતિને ઉત્સાહિત કરતી જોવા મળી હતી. તેણે વિરાટને ગળે લગાવ્યો અને 18 વર્ષ પછી IPL જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.