Riyan Parag injury update: IPL 2026 ની 52મી મેચમાં શનિવાર, 9 મેના રોજ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલાં જ રાજસ્થાનની ટીમે અચાનક મોટો ફેરફાર કરીને પોતાના નિયમિત કેપ્ટન રિયાન પરાગને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દીધો છે. તેની જગ્યાએ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમની કમાન સોંપવામાં આવી છે. કેપ્ટન બદલવાના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રિયાન પરાગની ઈજા અને તેનું ખરાબ ફોર્મ માનવામાં આવી રહ્યું છે.
ગુજરાત સામે જ્યારે યશસ્વી જયસ્વાલ ટોસ માટે મેદાનમાં ઉતર્યો ત્યારે તેણે રિયાન પરાગના ન રમવા પાછળનું કારણ સ્પષ્ટ કર્યું હતું. જયસ્વાલે જણાવ્યું કે અગાઉની મેચમાં રિયાન પરાગને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે ગુજરાત સામેની મેચમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બની શક્યો નથી. જોકે, જયસ્વાલે એવી આશા પણ વ્યક્ત કરી છે કે પરાગ ટૂંક સમયમાં ફરી મેદાનમાં વાપસી કરશે, પરંતુ તેને સાજા થવામાં કેટલો સમય લાગશે અથવા તે કેટલી મેચો ગુમાવશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી.
બીજી તરફ, રિયાન પરાગ આ સિઝનમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. જો આ સિઝનના તેના પ્રદર્શન પર નજર કરીએ તો, તેણે 10 મેચની 10 ઇનિંગ્સમાં માત્ર 23 ની સરેરાશથી 207 રન જ બનાવ્યા છે. આ 10 ઇનિંગ્સમાં તેના બેટમાંથી ફક્ત એક જ અડધી સદી નીકળી શકી છે. તેનું આ ખરાબ ફોર્મ ટીમ માટે પણ એક મોટી ચિંતાનો વિષય બની ગયું છે.
IPL 2026: BCCI એ અચાનક કેમ લાગુ કર્યા કડક નિયમો? જાણો કઈ બાબતો પર મુકવામાં આવ્યો છે પ્રતિબંધ
રિયાન પરાગની અત્યાર સુધીની IPL કારકિર્દીની વાત કરીએ તો, તે 2019 થી આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે અને શરૂઆતથી જ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો છે. તેણે અત્યાર સુધીમાં 94 મેચ રમી છે, જેમાં 82 ઇનિંગ્સમાં બેટિંગ કરીને 25.69 ની સરેરાશ અને 142.06 ના સ્ટ્રાઇક રેટથી કુલ 1773 રન પોતાના નામે કર્યા છે. આ સમયગાળામાં તેણે 8 અડધી સદી ફટકારી છે, જેમાં 95 રન તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે.
શું IPL 2026 માં MS ધોની લેશે નિવૃત્તિ? અશ્વિને ફેરવેલ મેચને લઈને કર્યો મોટો ધડાકો!
