Mumbai Indians vs Sunrisers Hyderabad, IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં 17 એપ્રિલ (ગુરુવાર) ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે એક મેચ રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ મુંબઈ ઈન્ડિયન્સે 4 વિકેટે જીતી લીધી. મેચમાં મુંબઈને જીતવા માટે 163 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે 11 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.

આ બેટ્સમેન ફરી બેટિંગ કરવા આવ્યો

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગની 7મી ઓવરમાં જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. તે ઓવર સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિનર ​​ઝીશાન અંસારીએ ફેંકી હતી. તે ઓવરના પાંચમા બોલ પર અન્સારીએ મુંબઈના બેટ્સમેન રેયાન રિકેલ્ટનને કમિન્સના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આવી સ્થિતિમાં આઉટ થયા બાદ રિકેલ્ટન બાઉન્ડ્રી લાઇનની નજીક પહોંચી ગયો હતો. પણ પછી કંઈક એવું બન્યું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ચોથા અમ્પાયરે રિકેલ્ટનને બાઉન્ડ્રી પાસે રોક્યો હતો.

રિકેલ્ટનને રોકવાનું કારણ વિકેટકીપર હેનરિક ક્લાસેનની ભૂલ હતી. ત્રીજા અમ્પાયરે રિપ્લેમાં જોયું કે જ્યારે બોલ બેટને સ્પર્શ્યો ત્યારે ક્લાસેનના ગ્લોવ્સ સ્ટમ્પની આગળ સુધી આવી ગયા હતા. નિયમ 27.3.1 મુજબ, જો વિકેટકીપર બોલ સ્ટમ્પની સામે અથવા તેની લાઇનમાં કલેક્ટ કરે છે તો અમ્પાયર નો-બોલનો સંકેત આપી શકે છે.

જોકે હેનરિક ક્લાસેનને બોલ પકડવાની જરૂર નહોતી કારણ કે બોલ તેની પાસે આવ્યો ન હતો તેમ છતાં તેના ગ્લોવ્સ હજુ પણ સ્ટમ્પની આગળ હતા. આવી સ્થિતિમાં નિયમો અનુસાર, આ બોલને નો-બોલ જાહેર કરવામાં આવ્યો હતો. વિકેટકીપરની બેદરકારીને કારણે રિકેલ્ટનને જીવનદાન મળ્યું હતું.

ત્યારબાદ રિકેલ્ટનને બેટિંગ માટે બોલાવવામાં આવ્યો અને તે ફ્રી-હિટ રમ્યો હતો. બાદમાં રિકેલ્ટને તેના સ્કોરમાં વધુ 10 રન ઉમેર્યા હતા. રિકેલ્ટનની વિકેટ હર્ષલ પટેલે લીધી હતી, જેમણે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનને ટ્રેવિસ હેડના હાથે કેચ કરાવ્યો હતો.     

સનરાઈઝર્સ હૈદરાબાદે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 162 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 163 રનનો લક્ષ્યાંક 18.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. મુંબઈની આ જીતમાં વિલ જેક્સનું ઓલરાઉન્ડ પ્રદર્શન નિર્ણાયક સાબિત થયું હતું. તેણે બોલિંગમાં 2 વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં 36 રનની મહત્વપૂર્ણ ઇનિંગ પણ રમી હતી.