US Open mens final: ઇટાલીના જેનિક સિનરે (Jannik Sinner) આ વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન 2024માં (US Open) ઇતિહાસ રચ્યો છે. વિશ્વનો નંબર 1 સિનર યુએસ ઓપન જીતનાર પ્રથમ ઈટાલિયન પુરુષ ટેનિસ ખેલાડી બન્યો છે. ફાઈનલ મેચમાં તેણે અમેરિકાના 26 વર્ષીય ટેલર ફ્રિટ્ઝને 6-3, 6-4, 7-5થી હરાવ્યો હતો. બંને વચ્ચેની આ મેચ 2 કલાક અને 16 મિનિટ સુધી ચાલી હતી.
23 વર્ષીય સિનર યુએસ ઓપન જીતનારી બીજો ઈટાલિયન ટેનિસ સ્ટાર બની ગયો છે. અગાઉ આ સિદ્ધિ ફ્લાવિયા પેનેટ્ટા (Flavia Pennetta) એ હાંસલ કરી હતી. તેણે 2015માં યુએસ ઓપનની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં રોબર્ટા વિન્સીને હરાવી હતી.
સિનરે તેનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું
આ હાર સાથે જ વિશ્વમાં નંબર 12 ટેલર ફ્રિટ્ઝનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વાસ્તવમાં 2016થી ગ્રાન્ડ સ્લેમ રમી રહેલ ટેલર પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યો હતો. તેની પાસે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાની ગોલ્ડન તક હતી પરંતુ તેમ થઈ શક્યું નહીં. જો તે ફાઇનલમાં જીત્યો હોત તો 2003 પછી યુએસ ઓપન જીતનાર પ્રથમ અમેરિકન પુરુષ ટેનિસ સ્ટાર બની ગયો હોત. પરંતુ આ થઈ શક્યું નહીં.
બીજી તરફ ઈટાલિયન ટેનિસ સ્ટાર જેનિક સિનરનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. તેણે આ વર્ષનું પ્રથમ ટાઇટલ એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપન 2024 જીત્યો હતો. આ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં સિનરે રશિયાના ડેનિલ મેદવેદેવને 3-6, 3-6, 6-4, 6-4, 6-3થી હરાવ્યો હતો.
યુએસ ઓપનની આ અંતિમ મેચમાં શરૂઆતથી જ સિનરે પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે પહેલો સેટ 6-3ના માર્જિનથી સરળતાથી જીતી લીધો હતો. આ પછી ટેલરે બીજા સેટમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. સિનરે બીજો સેટ પણ 6-4થી જીતી લીધો હતો.
ત્યારે એવી અપેક્ષા હતી કે અમેરિકન ટેનિસ સ્ટાર ત્રીજા સેટમાં સારુ પ્રદર્શન કરશે પરંતુ અહીં પણ ચાહકોને નિરાશા હાથ લાગી હતી. પ્રથમ બે સેટની જેમ સિનરે જોરદાર પ્રદર્શન કર્યું અને ત્રીજો સેટ પણ 7-5થી જીતીને ટાઈટલ જીતી લીધું હતુ.