નવી દિલ્હીઃ આવતીકાલ એટલે કે 17 તારીખે ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાવવાની છે, આ મેચ પહેલા ભારતીય દિગ્ગજ અને પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતીય ટીમના બૉલરોને ખાસ સલાહ આપી છે. કપિલે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની ઉછાળ લેતી પીચોને જોઇને ભારતીય બૉલરોએ ઉત્તેજિત ના થવુ જોઇએ.

પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે, આપણા ફાસ્ટ બૉલરોને ઓસ્ટ્રેલિયાની પીચો પર બૉલિંગ કરવાનો અનુભવ નથી. કેટલીક વાર ઉછાળ જોઇને ઉત્તેજિત થઇ જાય છે. એ સમજવુ ખુબ જરૂરી છે કે તેમને પોતાની તાકાતથી બૉલિંગ કરવી જોઇએ.

ભારત તરફથી 131 ટેસ્ટમાં 434 વિકેટ લેનારા પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલે કહ્યું આપણી પાસે શાનદાર બૉલરો છે, પરંતુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ત્યાંની પરિસ્થિતિને આપણા બૉલરોની સરખામણીમાં વધુ સારી રીતે સમજે છે.

(ફાઇલ તસવીર)

કપિલ દેવે કહ્યું કે પ્રથમ ટેસ્ટ- ડે નાઇટ ટેસ્ટમાં ભારત કરતા ઓસ્ટ્રેલિયાનુ પલડુ ભારે છે. કારણ કે કાંગારુ ટીમ પોતાના ઘરે રમી રહી છે, જો ભારતને પિન્ક બૉલ ટેસ્ટ ભારતમાં રમવી હોય તો કહી શકાય કે ભારતની જીતની સંભાવના 80 ટકા રહે. આમ પણ ઓસ્ટ્રેલિયા પાસે પિન્ક બૉલથી કેટલીય ટેસ્ટ મેચો રમવાનો અનુભવ પણ છે.જ્યારે ભારતે માત્રને માત્ર એક ટેસ્ટ દુધિયા રોશનીમાં રમી છે.