મુંબઈઃ છેલ્લા કેટલાક વર્ષોથી બોલિવૂડમાં સ્પોર્ટ્સ બાયોપિક બનાવવાનો ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. માત્ર પ્રોડ્યૂસર્સ-ડિરેક્ટર્સ જ નહીં પણ બોલિવૂડના મોટા-મોટા સ્ટાર્સ પણ સ્પોર્ટ્સ બાયોપિકમાં કામ કરવા માટે આતુર રહે છે. અત્યારે પરિણીતિ ચોપરા સાઈના નેહવાલની બાયોપિકમાં કામ કરી રહી છે જ્યારે અજય દેવગણ પણ ફૂટબોલ પર આધારિત એક સ્પોર્ટ્સ બાયોપિક ‘મેદાન’માં કામ કરી રહ્યો છે. તાજેતરમાં જ અમે તમને ન્યૂઝ આપ્યા બતા કે, પ્રોડ્યૂસર-ડિરેક્ટર કરણ જોહર પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને અત્યારે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર બાયોપિક બનાવવાનું વિચારી રહ્યો છે.


જોકે, હજુ સુધી આ વિશે કોઈ કન્ફર્મ રિપોર્ટ તો સામે આવ્યા નથી પણ જાણવા મળ્યું છે કે, આ બાબતે કરણ જોહર સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી ચૂક્યો છે. સૌરવ ‘દાદા’ના નામથી ફેમસ છે અને એટલે માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનું નામ ‘દાદાગિરી’ હશે. આ રિપોર્ટ આવ્યા બાદ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, ફિલ્મમાં સૌરવનું પાત્ર કયો બોલિવૂડ એક્ટર ભજવશે.



હાલમાં સૌરવ ગાંગુલીને એક ટોક શો માં પૂછવામાં આવ્યું હતું કે જો તેના જીવન પર ફિલ્મ બને તો તે કયા અભિનેતાને તેનો રોલ આપવા માંગશે. આ સવાલ પર ગાંગુલીએ રુત્વિક રોશનનું નામ લીધું હતું, કારણ કે ગાંગુલી રુત્વિકને ઘણો પસંદ કરે છે. આ અંગે ઑફિશિયલ અનાઉન્સમેન્ટ તો નથી થયું પરંતુ જો એવું શક્ય બને તો રિતિકને ગાંગુલીના પાત્રમાં જોવો ઘણું રસપ્રદ રહેશે.

બોલીવૂડના હાલના દિવસોમાં ક્રિકેટ પર વધારે ધ્યાન આપી રહ્યું છે. ડાયરેક્ટર ફિલ્મને સુપરહીટ બનાવવા માટે કોઈના કોઈ ક્રિકેટરના જીવન પર ફિલ્મ બનાવી રહ્યા છે. ફક્ત ક્રિકેટ જ નહીં બીજી રમતોના સુપરસ્ટાર્સ ઉપર પણ ઘણી ફિલ્મો બની ચૂકી છે. મેરિકોમ, મિલ્ખા સિંહ, એમએસ ધોની, પાન સિંહ તોમર અને અઝહરુદ્દીન પર પહેલા જ ફીલ્મ બની ચૂકી છે અને મોટાભાગની હીટ રહી છે. આટલું જ નહીં રણવીર સિંહ પણ 1983ના વર્લ્ડ કપ જીત પર આધારિત ફિલ્મ ‘83’માં કામ કરી રહ્યો છે. રણવીર સિંહ આમા કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે.

જોકે, એવા સમાચાર પણ આવ્યા હતા કે, એકતા કપૂર પણ સૌરવ ગાંગુલીના બાયોપિક બનાવવામાં ઈન્ટરેસ્ટેડ છે. સૌરવે પણ માન્યું કે, એકતાએ તેમનો સંપર્ક કર્યો હતો પણ આ મુદ્દે વાત આગળ ન વધી શકી. હવે જોવાનું એ રહ્યું કે, ફેન્સને ક્યારે ‘દાદા’ની બાયોપિક જોવા મળે છે.