નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનથી દેશમાં અલગ અલગ શહેરમાં અનેક લોકો ફસાયા છે. આ જરૂરિયાતમંદોની અનેક લોકો મદદ કરી રહ્યાં છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પણ અભિયાનમાં યોગદાન આપી રહ્યો છે.

સહેવાગે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે પોતાના ઘરે માતા અને પત્ની સાથે મળીને જમવાનું પેક કરતા નજર આવી રહ્યાં છે. સેહવાગે તસવીર સાથે લખ્યું કે, “પોતાના ઘરે આરામદાયક સ્થિતિમાં ખાવાનું બનાવવું અને પેક કરીને પ્રવાસી મજૂરોને વહેંચવું ખૂબ આનંદભર્યુ છે. ”

ઉદય ફાઉન્ડેશન અને સેહવાગ ફાઉન્ડેશન સાથે મળીને આ અભિયાનમાં જોડાયા છે. સાથે સેહવાગે પોતાના ફેન્સને પણ અપીલ કરી છે કે, જો તેઓ 100 લોકોની સેવા કરવા માંગે છે તો તેમના ફાઉન્ડેશન સાથે સંપર્ક કરી શકે છે.

સેહવાગ સિવાય અનેક પૂર્વ ક્રિકેટર પોતાના તરફથી મદદ કરી ચૂક્યા છે. સ્પિનર હરભજન સિંહ પણ પંજાબના કેટલાક વિસ્તારમાં લોકોને જમવાની અને અન્ય મદદ કરી હતી.