નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકિપટ બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પર બીસીસીઆઈની તલવાર લટકી રહી છે. આ સ્થિતિમાં તે ગમે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. જોકે આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પહેલા એવી અટકળો હતી કે ટીમ ઈન્ડિયાનો પૂર્વ બેટ્સમેન અને વિકેટકિપર ધોની વર્લ્ડકપ પૂરો થવાની સાથે જ સંન્યાસની જાહેરાત કરી દેશે પરંતુ હજુ સુધી ધોની તરફથી આવી કોઈ વાતને સમર્થન આપવામાં આવ્યું નથી.



ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે આડકતરો સંકેત આપ્યો છે કે હવે એમએસ ધોની ભવિષ્યમાં ટીમ પસંદગીની યોજનામાં સામેલ નથી. બોર્ડના એક સૂત્રએ કહ્યું કે, ધોનીએ હજુ સુધી તેના ભવિષ્ય પર કોઈ ફેંસલો નથી કર્યો તેને લઈ અમે આશ્ચર્યચકિત છીએ. રિષભ પંત જેવા યુવા ખેલાડી તેનું સ્થાન લેવાની રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડકપમાં આપણે જોયું કે તે હવે પહેલા જેવો બેટ્સમેન રહ્યો નથી. છઠ્ઠા અને સાતમા ક્રમે બેટિંગમાં આવવા છતાં રનગતિ વધારવા સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જેના કારણે ટીમને નુકસાન થયું હતું.



બીસીસીઆઈ સચિવ અમિતાભ ચૌધરી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમની પંસદગી કરવા એક બેઠક બોલાવશે. જેમાં ધોનીનો વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે અને ટી20 સીરિઝમાં પસંદ કરવામાં આવે શક્યતા નહીંવત છે.



વર્લ્ડકપ 2019માં ધોની બેટથી ખાસ કમાલ દેખાડી શક્યો નહોતો. 38 વર્ષીય ધોનીએ વર્લ્ડકપની 9 મેચમાં 8 ઈનિંગમાં 45.50ની સરેરાશથી 273 રન બનાવ્યા હતા. જેમાં તે માત્ર 2 અડધી સદી ફટકારી શક્યો હતો.  આ દરમિયાન અફઘાનિસ્તાન સામે તેની ધીમી બેટિંગની ઘણી આલોચના થઈ હતી.