PV Sindhu In Malaysia Masters 2024: ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ શાનદાર વાપસી કરી છે. આ ભારતીય દિગ્ગજ ખેલાડીએ મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચીનના હાન યુને 21-13, 14-21 અને 21-12થી હરાવી હતી. આ જીત બાદ પીવી સિંધુ મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ પહેલા પીવી સિંધુ ઉબેર કપ અને થાઈલેન્ડ ઓપનમાં રમી ન હતી. આ ખેલાડીએ છેલ્લે 2022 સિંગાપોર ઓપનમાં ટાઇટલ જીત્યું હતું. પીવી સિંધુને મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પાંચમો ક્રમાંક આપવામાં આવ્યો છે.






ચીનની હાન યુને સરળતાથી હરાવી


હાન યુ સામે પીવી સિંધુનો દબદબો શરૂઆતથી જ દેખાતો હતો. પીવી સિંધુએ પ્રથમ ગેમમાં ચીનની ખેલાડીને સરળતાથી 21-13થી પરાજય આપ્યો હતો. જોકે આ પછી હાન યુએ બીજી ગેમમાં જોરદાર વાપસી કરી હતી. આ ગેમમાં હાન યુએ પીવી સિંધુને 21-14થી હરાવી હતી. પરંતુ ત્રીજી ગેમમાં ભારતીય દિગ્ગજ ખેલાડીએ આક્રમક વલણ અપનાવ્યું હતું. આ ગેમમાં પીવી સિંધુએ હાન યુને 21-12થી હરાવી હતી. જો કે, આ જીત બાદ પીવી સિંધુ મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.


ટૂર્નામેન્ટમાં પીવી સિંધુની અત્યાર સુધીની સફર


નોંધનીય છે કે આ પહેલા પીવી સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વ રેન્કિંગમાં 34મા સ્થાને રહેલી કોરિયાની યૂ જિન સિમને હરાવી હતી. પીવી સિંધુએ લગભગ 59 મિનિટ સુધી ચાલેલી મેચમાં યુ જિન સિમને 21-13, 12-21, 21-14થી હરાવીને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ જીતી લીધી હતી. જ્યારે ભારતીય દિગ્ગજ ખેલાડીએ બુધવારે પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોરને સીધી ગેમમાં હરાવી હતી. આ મેચમાં પીવી સિંધુએ ક્રિસ્ટી ગિલમોરને 21-17, 21-16થી હાર આપી હતી.