Continues below advertisement

Lionel Messi in Kolkata: કોલકાતામાં આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીના કોન્સર્ટમાં થયેલા ભારે હોબાળા અંગે, પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારે જણાવ્યું હતું કે, કાર્યક્રમના મુખ્ય આયોજક, સતાદ્રુ દત્તાની પોલીસે અટકાયત કરી છે. સોલ્ટ લેક સ્ટેડિયમમાં પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. તેમણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કાર્યક્રમનું આયોજન કરનારાઓ તરફથી મિસમેનેજમેન્ટ થયું હતું. રાજ્ય સરકારે આ બાબતની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. સમિતિ દરેક બાબત પર નજીકથી નજર રાખી રહી છે.

 

Continues below advertisement

અંધાધૂંધી માટે જવાબદાર લોકોને સજા કરવામાં આવશે - જાવેદ શમીમ

પશ્ચિમ બંગાળના અધિક પોલીસ મહાનિર્દેશક (ADG) કાયદો અને વ્યવસ્થા જાવેદ શમીમે મેસ્સીના કાર્યક્રમમાં થયેલી અંધાધૂંધી અંગે જણાવ્યું હતું કે, "પરિસ્થિતિ હવે સામાન્ય છે. બીજું પાસું તપાસનું છે, જેમાં FIR દાખલ કરવામાં આવી છે અને મુખ્ય આયોજક, સતાદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે. આયોજકે ખાતરી આપી છે કે તેઓ ચાહકોના ટિકિટના પૈસા પરત કરશે, અને અમે જોઈશું કે આ કેવી રીતે થઈ શકે."

 

તેમણે કહ્યું, "સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિક સામાન્ય છે. લોકો પોતાના ઘરે પાછા ફર્યા છે. આ એક મોટી ઘટના છે, જે સોલ્ટ લેક સ્ટેડિયમ પૂરતી મર્યાદિત હતી અને સ્થાનિક સ્તરે જ બની હતી. અમે સુનિશ્ચિત કરીશું કે, આજે સોલ્ટ લેક સ્ટેડિયમમાં જે બન્યું તેના માટે જવાબદાર લોકોને સજા થાય અને સંબંધિત અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી થાય."

શું છે સમગ્ર ઘટના 

લિયોનેલ મેસ્સી 14 વર્ષ પછી ત્રણ દિવસના GOAT ઇન્ડિયા ટૂર માટે ભારત  આવ્યા  છે. આ મહાન ફૂટબોલ ખેલાડીની એક ઝલક જોવા માટે ચાહકો ઉત્સાહિત હતા. મેસ્સી 13 ડિસેમ્બરના રોજ સવારે 3:00 વાગ્યે નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં ચાહકો પહેલાથી જ હાજર હતા અને તેમના મનપસંદ ખેલાડીને જોઈને ખૂબ જ ખુશ થયા હતા. મેસ્સીએ સવારે લગભગ ૧૧:૩૦ વાગ્યે તેમની ૭૦ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમામાં તેમને ફિફા વર્લ્ડ કપ ટ્રોફી હાથમાં રાખેલા દર્શાવવામાં આવ્યા છે.

ત્યારબાદ લિયોનેલ મેસ્સી કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યા, જ્યાં સવારથી જ ચાહકો આવવા લાગ્યા હતા. મેસ્સી આવતાની સાથે જ ચાહકોએ "મેસ્સી, મેસ્સી!" ના બૂમો પાડવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ મેસ્સીએ બધા ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું. ત્યારબાદ તેઓ આયોજકો, સેલિબ્રિટીઓ અને સુરક્ષા કર્મચારીઓના ટોળાથી ઘેરાયેલા હતા, જેના કારણે ગેલેરીમાં રહેલા સામાન્ય પ્રેક્ષકો એક ઝલક માટે આતુર હતા. આના કારણે સ્ટેડિયમમાં ભારે હોબાળો મચી ગયો.

જોકે, ચાહકોને ટૂંક સમયમાં જ ખ્યાલ આવી ગયો કે, સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી કડક સુરક્ષા ઘેરાબંધી હેઠળ છે, જેના કારણે તે ગેલેરીના મોટા ભાગોમાંથી ભાગ્યે જ તે તેના ફેન્સને દેખાતો હતો. ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે તે વિશાળ સ્ક્રીન પર પણ સ્પષ્ટ રીતે દેખાતો ન હતો. ચાહકોમાં હતાશા વધતી ગઈ, અને જેમ જેમ સ્પષ્ટ થયું કે આર્જેન્ટિનાના સ્ટાર સ્ટેડિયમની આસપાસ સંપૂર્ણ ગોળ ફરશે નહીં, તેમ તેમ "અમને મેસ્સી જોઈએ છે" ના નારા વધુ જોરથી લાગવા લાગ્યા

ત્યારબાદ લિયોનેલ મેસ્સી નિર્ધારિત સમય પહેલાં મેદાન છોડીને ચાલ્યા ગયા અને તે જતાની સાથે જ ચાહકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. મેદાન પર બોટલો અને પછી પ્લાસ્ટિકની ખુરશીઓ ફેંકવામાં આવી. બેનરો અને બિલબોર્ડ તોડી નાખવામાં આવ્યા, મોટી સંખ્યામાં ખુરશીઓ તોડી નાખવામાં આવી, અને ભીડે મેદાનના કેટલાક ભાગોમાં બળજબરીથી પ્રવેશ કરવા માટે બેરિકેડ તોડ્યા.