જયપુર: ભારતના પૂર્વ ક્રિકેટર અને કૉંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને આજે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં અઝહરુદ્દીનની કાર પલટી મારી ગઈ હતી. જો કે આ દુર્ઘટનામાં અઝહરુદ્દીન અને તેના પરિવારનો આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માત લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાલ પોલીસ મથક પાસે થયો હતો. અઝહરુદ્દીન પરિવાર સહિત રણથંભોર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત્ નડ્યો હતો. અઝહરુદ્દીન સાથેના એક વ્યક્તીને સામાન્ય ઈજા પહોંચી છે. બીજી ગાડી દ્વારા અઝહરુદ્દીનને હોટલ પહોંચાડવામાં આવ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ સંઘના અધ્યક્ષ છે. અઝહરે ભારત માટે 99 ટેસ્ટ અને 334 વનડે રમી છે.