Nepal : નેપાળના પર્વતારોહક કામી રીતા શેરપા (Kami Rita Sherpa )એ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) પર ચડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. કામી રીટાએ 26મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં સફળતા મેળવી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, એક સરકારી અધિકારીએ રવિવારે જણાવ્યું કે નેપાળી શેરપાએ રેકોર્ડ 26મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને પોતાનો જ પાછલો રેકોર્ડ તોડ્યો. 52 વર્ષીય કામી રીતા શેરપા પરંપરાગત દક્ષિણપૂર્વ રિજ માર્ગે શનિવારે અન્ય 10 શેરપા ક્લાઇમ્બર્સ સાથે 8,848.86 મીટર (29,031.69-ફૂટ) પર્વત પર ચડ્યા.
કાઠમંડુમાં પર્યટન વિભાગના મહાનિર્દેશક તારાનાથ અધિકારીએ જણાવ્યું કે, કામી રીતાએ પોતાનો જ રેકોર્ડ તોડીને ક્લાઈમ્બીંગમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કામી રીતાની પત્ની જંગમુએ કહ્યું કે તે તેના પતિની સિદ્ધિથી ખુશ છે. કામી રીટા દ્વારા ઉપયોગમાં લેવાતા ચડતા માર્ગની શરૂઆત 1953માં ન્યુઝીલેન્ડના સર એડમન્ડ હિલેરી અને નેપાળના શેરપા તેનઝિંગ નોર્ગે દ્વારા કરવામાં આવી હતી અને તે સૌથી વધુ લોકપ્રિય છે. આ વર્ષે નેપાળે એવરેસ્ટ પર ચઢવા માટે 316 પરમિટ જાહેર કરી છે, જે મે સુધી ચાલે છે, જ્યારે ગયા વર્ષે 408 હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ છે.
માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર ચડતી વખતે ડોક્ટરનું મોત
બીજી તરફ નેપાળમાં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર ચડતી વખતે મુંબઈની 52 વર્ષીય મહિલા ડોક્ટરનું મોત થયું હતું. પરિવારના એક સભ્યએ રવિવારે આ માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોરેગાંવમાં રહેતી ડૉ. પ્રજ્ઞા સામંતનું નેપાળમાં એવરેસ્ટ બેઝ કેમ્પમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. કોઈ અકસ્માત થયો ન હતો. પરિવારના સભ્યએ જણાવ્યું કે આજે મોડી રાત્રે મૃતદેહને પ્લેન દ્વારા અહીં લાવવામાં આવશે. સોમવારે ગોરેગાંવના શિવધામ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.