નવી દિલ્હીઃ વર્લ્ડકપ ટીમમાં જગ્યા ના મળવાના કારણે નિરાશ થયેલા અંબાતી રાયડુએ છેવટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી લેવાની જાહેરાત કરી દીધી છે. રાયડુને પુરેપુરો વિશ્વાસ હતો કે, વર્લ્ડકપ ટીમમાં તેને સ્થાન મળશે, પણ કમનસીબે તેને સિલેક્શન કમિટીએ વર્લ્ડકપ ટીમમાં સામેલ ના કર્યો અને છેવટે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી છે. જોકે હવે પીટીઆઈને સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પણ નિવૃત્તીની જાહેરાત કરી શકે છે.



બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું કે, “તમને ખબર નથી કે ધોની ક્યારે શું કરી દે, એવામાં અટકળ એવી જ લગાવવામાં આવી રહી છે કે ધોની વર્લ્ડકપ બાદ નિવૃત્તીની જાહેરાત કરી શકે છે. તેણે કેપ્ટનશીપ પણ અચાનક છોડી હવે તે ક્રિકેટને પણ અચાનક અલવિદા કહી શકે છે.”



આઈપીએલ 2019માં બેટિંગથી ધૂમ મચાવ્યા બાદ ધોની ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં કંઈ ખાસ કરી નથી શક્યા. દરેક મેચમાં ધીમી બેટિંગ અને રમવાની રીતને કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફેન્સને પણ ધોનીમાં હવે પહેલા જેવી બેટિંગ જોવા નથી મળી રહી. એટલું જ નહીં 37 વર્ષના ધોની પહેલા જ નિવેદન દ્વારા કહી ચૂક્યા છે કે, હવે તે ટીમ ઇન્ડિયામાં ફિનિશરની ભૂમિકા એટલી સારી રીતે નથી નિભાવી શકતા.