Neeraj Chopra Diamond League Final: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સતત સારું પ્રદર્શન કર્યું છે. નીરજ ચોપરાએ ડાયમંડ લીગની ફાઇનલમાં 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે જીત મેળવી હતી. નીરજ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે. નીરજ અગાઉ 2017 અને 2018માં પણ ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો, જ્યાં તે અનુક્રમે સાતમા અને ચોથા સ્થાને રહ્યો હતો. પરંતુ આ વખતે નીરજે ડાયમંડ ટ્રોફી જીતીને વધુ એક સફળતા હાંસલ કરી હતી.


ઝ્યુરિચમાં યોજાયેલી ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજની શરૂઆત ખરાબ રહી હતી અને તેનો પહેલો થ્રો ફાઉલ હતો. ત્યારબાદ બીજા પ્રયાસમાં તેણે 88.44 મીટર દૂર બરછી ફેંકી અને હરીફ ખેલાડીઓ પર સરસાઈ મેળવી લીધી. નીરજે ત્રીજા પ્રયાસમાં 88.00 મીટર, ચોથા પ્રયાસમાં 86.11 મીટર, પાંચમા પ્રયાસમાં 87.00 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 83.60 મીટર થ્રો કર્યો હતો.


ડાયમંડ લીગની ફાઇનલમાં, ચેક રિપબ્લિકના જેકબ વેડલેચ 86.94 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા અને જર્મનીના જુલિયન વેબર (83.73) ત્રીજા ક્રમે આવ્યા હતા. નીરજે 2021માં ઓલિમ્પિક ગોલ્ડ, 2018માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ, 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, 2022માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેની ઈચ્છા ડાયમંડ ટ્રોફી જીતવાની હતી જે હવે પૂરી થઈ છે.






આ રીતે તે ફાઇનલમાં સ્થાન બનાવ્યું


નીરજ ચોપરાએ 2022માં ડાયમંડ લીગના માત્ર 2 લેગ્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેણે લૌઝેન લેગ જીતીને અને સ્ટોકહોમમાં બીજા સ્થાને રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. નીરજે 15 પોઈન્ટ સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જેકબ વેડલેચ (4 ઇવેન્ટમાં 27), જુલિયન વેબર (3 ઇવેન્ટમાં 19) અને એન્ડરસન પીટર્સ (2 ઇવેન્ટમાં 16) ટોપ-3 સ્થાનો પર રહીને ફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા.


જોકે, વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ ઈજાના કારણે ફાઈનલ રમી શક્યો નહોતો. ડાયમંડ લીગ લેગમાં દરેક રમતવીરને પ્રથમ સ્થાન માટે 8 પોઈન્ટ, બીજા સ્થાન માટે 7, ત્રીજા સ્થાન માટે 6 અને ચોથા સ્થાન માટે 5 પોઈન્ટ આપવામાં આવે છે.


ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ ચોપરાનું પ્રદર્શન:


1 લા પ્રયાસ – ફાઉલ


2જી પ્રયાસ - 88.44 મી


ત્રીજો પ્રયાસ - 88.00 મી


ચોથો પ્રયાસ - 86.11 મી


5મો પ્રયાસ - 87.00 મી


6મો પ્રયાસ - 83.60 મી