દિલ્હીના જંતર-મંતર પર બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સામે કાર્યવાહી કરતા દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી. કુસ્તીબાજો જંતર-મંતરથી નવા સંસદ ભવન તરફ કૂચ કરવા માંગતા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. જોકે મોડી સાંજે કુસ્તીબાજોને મુક્ત કરવામાં આવ્યા હતા.






હવે જેવલિન થ્રોઅર અને ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ આ સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. કુસ્તીબાજ સાક્ષી મલિકના વીડિયોને ટેગ કરતાં નીરજ ચોપરાએ લખ્યું હતું કે , 'આ જોઇને મને દુઃખ થઇ રહ્યું છે. તેમની સાથે વ્યવહાર કરવાની વધુ સારી રીત હોવી જોઇતી હતી.


રવિવારે બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ જેવા ટોચના કુસ્તીબાજો નવી સંસદ ભવન તરફ કૂચ કરવા અને 'મહિલા મહાપંચાયત' યોજવાનું આયોજન કરી રહ્યા હતા. કુસ્તીબાજોને શરૂઆતમાં જંતર-મંતર છોડવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યાં તેઓ 24 એપ્રિલથી વિરોધમાં બેઠા હતા. જો કે, કુસ્તીબાજોએ ધરણાં સ્થળની આસપાસના બેરિકેડ્સને ઓળંગતાની સાથે જ પોલીસ દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.


નીરજે દોહા ડાયમંડ લીગ જીતી


બીજી તરફ નીરજ ચોપરાની વાત કરીએ તો તેણે આ મહિને 5 મેના રોજ દોહા ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. દોહાના કતાર સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત સ્પર્ધામાં નીરજે પહેલા પ્રયાસમાં જ 88.67 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. નીરજનો આ પહેલો થ્રો સ્પર્ધાનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. તે સ્પર્ધામાં ચેક ખેલાડી જેકબ બીજા સ્થાને રહ્યો હતો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ ત્રીજા સ્થાને છે. ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એન્ડરસન પીટર્સે નીરજ ચોપરાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.


આ શાનદાર પ્રદર્શનના કારણે નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં નંબર વન પર આવી ગયો. નીરજ ચોપરાના હાલમાં 1455 પોઈન્ટ છે જે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ કરતા 22 પોઈન્ટ વધુ છે. નીરજે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને હરાવ્યો હતો. એન્ડરસનના હાલ 1433 પોઈન્ટ છે. ટોપ-5 રેન્કિંગમાં પાકિસ્તાનનો અરશદ નદીમ પણ છે.


Wrestlers : બજરંગ, સાક્ષી અને વિનેશ વિરુદ્ધ FIR દાખલ, જંતર-મંતર પર પ્રદર્શનને લઇને દિલ્હી પોલીસની કાર્યવાહી


દિલ્હી પોલીસે રવિવારે મોડી સાંજે જંતર-મંતર પર બનેલી ઘટનાને લઇને એફઆઇઆર નોંધી છે. મળતી માહિતી અનુસાર,  દિલ્હી પોલીસે કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા તેમજ વિરોધ પ્રદર્શનના આયોજકો અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.આ તમામ સામે IPC કલમ- 147, 149, 186, 188, 332, 353, PDPP એક્ટની કલમ 3 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે રવિવારે સંસદ ભવનનાં ઉદ્ઘાટન દરમિયાન કુસ્તીબાજોએ મહિલા મહાપંચાયતની જાહેરાત કરી હતી. રવિવારે જ્યારે કુસ્તીબાજો પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરી હતી, તેમજ વિરોધના સ્થળેથી કુસ્તીબાજોના ટેન્ટ વગેરે હટાવી દીધા હતા.