FIFA World Cup 2022: કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલની પ્રથમ મેચ શનિવારે (3 ડિસેમ્બર) રમાઈ હતી. આ મેચ અમેરિકા અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી, જે ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં નેધરલેન્ડ્સે 3-1થી શાનદાર જીત નોંધાવી અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની.
તમને જણાવી દઈએ કે નેધરલેન્ડની ટીમ ગત વર્લ્ડ કપ 2018માં ક્વોલિફાઈ કરી શકી ન હતી. આ ટીમ 1974, 1978 અને 2010માં ત્રણ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ દરેક વખતે રનર્સ-અપ રહી હતી. આ વખતે નેધરલેન્ડની ટીમ પાસે ટાઈટલ જીતવાની સુવર્ણ તક છે.
બીજી તરફ અમેરિકન ટીમનું ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. આ પહેલા તેણે 2002ના વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારથી અત્યાર સુધી અમેરિકન ટીમ ક્યારેય કોઈ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી નથી.