Ashwini Ponnappa Retirement: ભારતીય બેડમિન્ટન ખેલાડી અશ્વિની પોનપ્પાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે આ તેનો છેલ્લો ઓલિમ્પિક હતો. મંગળવારે તેણી અને તેની જોડીદાર તનિષા ક્રાસ્ટોને પેરિસ ઓલિમ્પિકની મહિલા ડબલ્સ ઇવેન્ટમાં સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. અશ્વિની અને તનિષાની જોડી ગ્રુપ સીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાની સેતિયાના માપાસા અને એન્જેલા યૂ સામે 15-21, 10-21થી હારી ગયા હતા. તેમની ત્રણેય ગ્રુપ મેચો હાર્યા બાદ તેમનું અભિયાન સમાપ્ત થયું હતું.


અશ્વિનીએ 2001માં તેનું પ્રથમ નેશનલ ટાઇટલ જીત્યું અને જ્વાલા ગુટ્ટા સાથે મળીને એક શાનદાર અને ઇતિહાસ રચનારી મહિલા જોડી બનાવી હતી.  જ્વાલા ગુટ્ટા 2017 સુધી રમી હતી. તેણીએ 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને ઉબેર કપ (2014 અને 2016) અને એશિયન ચેમ્પિયનશીપ (2014)માં બ્રોન્ઝ મેડલ સહિત અનેક આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા હતા.


જ્યારે ત્રીજો ઓલિમ્પિક રમી રહેલી 34 વર્ષીય અશ્વિનીને પૂછવામાં આવ્યું કે શું તે 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં રમવા માંગે છે, તો તેણે કહ્યું, "આ મારો છેલ્લો ઓલિમ્પિક હતો, પરંતુ તનિષાએ હજુ લાંબી મજલ કાપવાની છે. તે ભાવનાત્મક અને માનસિક રીતે ખૂબ ભારે પડે છે.  હું તેને ફરીથી સહન કરી શકતી નથી. તે સરળ નથી, જો તમે થોડા નાના હોય તો તમે તેને સહન કરી શકો છો. આટલા લાંબા સમય સુધી રમ્યા પછી હું હવે સહન કરી શકતી નથી.


જ્વાલા અને અશ્વિનીની જોડી સતત વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-20માં રહી હતી અને એક સમયે 10માં સ્થાને પહોંચી ગઈ હતી. અશ્વિની અને જ્વાલા બે ઓલિમ્પિક (2012 અને 2016)માં સાથે રમ્યા હતા પરંતુ પ્રારંભિક તબક્કાથી આગળ વધી શક્યા ન હતા.


અશ્વિનીએ કહ્યું હતું કે , “અમે આજે જીતવા માંગતા હતા. અમે ઇચ્છતા હતા કે પરિણામો અલગ અને સારા આવે. મારા અને તનિષા માટે સૌથી મોટી વાત એ હતી કે અમારે ઓલિમ્પિકમાં પહોંચવા માટે લાંબી મુસાફરી કરવી પડી હતી. તે સરળ ન હતું.''


તનિષા પણ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકી નહીં અને રડવા લાગી. તેણે કહ્યું હતું કે  “તે (અશ્વિની) અહીં મારો સૌથી મોટો આધાર રહી છે. અમને વધુ સારા પરિણામો જોઈતા હતા. તેણે મને દરેક વખતે પ્રેરણા આપી છે.