Manika Batra at Paris Olympics 2024: ભારતીય પેડલર મનિકા બત્રાએ પેરિસ ઓલિમ્પિક 2024માં ટેબલ ટેનિસમાં ઈતિહાસ રચ્યો છે. 32ના રાઉન્ડમાં મનિકા બત્રાનો સામનો ફ્રેન્ચ પેડલર પૃથિકા પવાડ સામે થયો હતો. માણિકાએ પવાડને ક્લીન સ્વીપ કર્યુ, જે બાદ તેણે રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. ઓલિમ્પિકમાં રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવનારી મનિકા બત્રા પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે. આ જીતમાં એક ખાસ વાત એ હતી કે મનિકા બત્રા વર્લ્ડ રેન્કિંગમાં 28માં સ્થાને છે અને પૃથિકા પવાડ રેન્કિંગમાં મણિકા કરતાં દસ સ્થાન ઉપર છે.
મનિકા બત્રાએ કર્યુ પૃથિકા પવાડને ક્લીન સ્વીપ
પ્રથમ ગેમમાં મનિકા બત્રા બે પોઈન્ટથી પાછળ હતી, પરંતુ તેણે ધીરજ અને કૌશલ્ય સાથે 11-9થી જીત મેળવી હતી. બીજી ગેમમાં ભારતીયોએ શરૂઆતથી જ દબાણ લાગુ કર્યું અને પાંચ પોઈન્ટની આરામદાયક લીડ સાથે 11-6થી જીત મેળવી. ત્રીજી ગેમમાં પૃથિકા પવાડ થોડી ટક્કર આપી હતી, પરંતુ મનિકાએ તેને 11-9થી જીતી લીધી હતી. મનિકાએ ચોથી ગેમમાં વર્ચસ્વ જાળવી રાખ્યું અને 11-7થી મેચ જીતી લીધી.
મનિકા બત્રાએ તોડ્યો શરત કમલનો રેકોર્ડ
આ પહેલા, કોઈપણ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિકમાં રાઉન્ડ ઓફ 32થી આગળ વધી શકી ન હતી. મનિકાએ પણ આ રેકોર્ડ તોડ્યો હતો. જો કે, શરત કમલ ટોક્યો ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ્સમાં રાઉન્ડ ઓફ 32માં પહોંચી ગયો હતો.
મનિકા બત્રાએ રાઉન્ડ ઓફ 64માં અન્ના હર્સેને પછાડી હતી
રાઉન્ડ ઓફ 64ની મેચમાં મનિકા બત્રાએ ગ્રેટ બ્રિટનની અન્ના હર્સીને પરાજય આપ્યો હતો. આ મેચમાં મનિકાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 11-8, 12-10, 11-9, 9-11, 11-5ના સ્કૉર સાથે જીત મેળવી હતી અને રાઉન્ડ ઓફ 32માં જગ્યા બનાવી હતી.