Paris Olympics 2024 India 1st Day Schedule: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતની શરૂઆત ગુરુવાર, 25 જુલાઈથી થશે. પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની 26 જૂલાઇના રોજ યોજાશે પરંતુ ભારત તેનું અભિયાન એક દિવસ પહેલા (25 જુલાઈ) શરૂ કરશે. આ વખતે 117 સભ્યોની ભારતીય ટુકડી ગેમ્સમાં ભાગ લેશે. ભારતની શરૂઆત તીરંદાજીથી થશે. જો કે, તીરંદાજીમાં ભારતને અત્યાર સુધી કોઈ મેડલ મળ્યો નથી. તીરંદાજોનો ટાર્ગેટ પહેલા દિવસે ભારત માટે પહેલો મેડલ મેળવવાનો રહેશે. તો ચાલો જાણીએ કે પહેલા દિવસે ભારતનું શિડ્યૂલ કેવું રહેશે.






પ્રથમ દિવસે તીરંદાજીમાં ભારતનું શિડ્યૂલ


મહિલા: મહિલા વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ બપોરે 1 વાગ્યાથી યોજાશે. મહિલાઓમાં દીપિકા કુમારી, અંકિતા ભગત અને ભજન કૌર ભાગ લઈ રહી છે.


પુરૂષો: પછી સાંજે 5:45 કલાકે મેન્સ વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ થશે. પુરુષોમાં બી ધીરજ, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવ ભાગ લઈ રહ્યા છે.






ક્યાં લાઇવ જોઇ શકશો?


પ્રથમ દિવસે તીરંદાજી ગેમ્સનું ભારતમાં Viacom 18 ના Sports18 અને DD Sports 1.0 પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય JioCinema દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ થશે જેને તમે બિલકુલ 'ફ્રી' જોઈ શકશો.


લંડનમાં 2012ના ઓલિમ્પિક બાદ આ પહેલીવાર હશે જ્યારે ભારત તમામ 5 તીરંદાજી ઈવેન્ટ્સમાં ભાગ લેશે. આ 5 ઇવેન્ટમાં ભારતના કુલ 6 ખેલાડીઓ ભાગ લેશે જેમાંથી 3 પુરૂષ અને 3 મહિલા હશે.


ભારત ટોક્યો ઓલિમ્પિકનો રેકોર્ડ તોડવા માંગે છે


નોંધનીય છે કે અગાઉ 2020 ઓલિમ્પિક ટોક્યોમાં રમાઈ હતી. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. ટોક્યોમાં ભારતે એક જ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ 7માં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સામેલ છે. સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે ભારતીય ટીમ ટોક્યો ઓલિમ્પિકને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવવા માંગશે.