Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટની અરજી પર હવે શુક્રવારે સુનાવણી થશે. તેણે પોતાને અયોગ્ય જાહેર કરવા સામે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ)માં અપીલ દાખલ કરી હતી, જેને સુનાવણી માટે સ્વીકારવામાં આવી હતી. જેમાં તેણે સંયુક્ત સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે. સ્પોર્ટ્સ કોર્ટે વિનેશને સુનાવણી માટે પોતાના વકીલની નિમણૂક કરવાની તક આપી છે. સુનાવણી ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે થશે.
વાસ્તવમાં સીએએસમાં સુનાવણી પહેલા ગુરુવારે જ થવાની હતી. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટે વિનેશનું પ્રતિનિધિત્વ કરવા માટે 4 વકીલોની ઓફર કરી હતી. તેમના નામ છે જોએલ મોનલુઈસ, એસ્ટેલ ઈવાનોવા, હેબીન એસ્ટેલ કિમ અને ચાર્લ્સ એમસન. આ બધા પેરિસ 2024 ઓલિમ્પિક માટે CAS ના વકીલો છે. પરંતુ ભારતીય ટીમે સુનાવણી માટે ભારતીય વકીલની નિમણૂક કરવા માટે પણ સમય માંગ્યો હતો. આના પર કોર્ટે તેમને સમય આપ્યો અને સુનાવણી બીજા દિવસે એટલે કે શુક્રવાર પર મુલતવી રાખી હતી.
માહિતી અનુસાર, વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવાના કેસમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન તરફથી ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને કિંગ્સ કાઉન્સિલ હરીશ સાલ્વે આજે CAS સમક્ષ હાજર થશે. સાલ્વેએ આજે પેરિસના સમય મુજબ સવારે 10 વાગ્યે સુનાવણીમાં વર્ચ્યુઅલ રીતે હાજર થવું પડશે. સાલ્વેને આ મામલાની માહિતી આપવામાં આવી છે અને IOAના સલાહકાર તરીકે તેમનું નામ CAS સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.
આ સિવાય નિર્ણય પણ શુક્રવારે જ આવી શકે છે. પરંતુ જો ન્યાયાધીશને લાગે છે કે તેમને વધુ સુનાવણીની જરૂર છે તો બીજી કોઈ તારીખ આપી શકાય છે. જો કે, મોટાભાગના CAS કેસમાં નિર્ણય સુનાવણીના દિવસે જ આવે છે.
CAS રમતગમતની બાબતોના નિર્ણય કરે છે
કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એ વિશ્વભરની રમતગમત માટે બનાવવામાં આવેલ એક સ્વતંત્ર સંસ્થા છે. તેનું કામ રમતગમતને લગતા તમામ કાનૂની વિવાદોનું સમાધાન કરવાનું છે. 1984માં સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા રમતગમત સંબંધિત વિવાદોને મધ્યસ્થી દ્વારા ઉકેલવા માટે કામ કરે છે. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લૅન્ડના લૉસૅનમાં છે અને તેની અદાલતો ન્યુ યોર્ક સિટી, સિડની અને લૉસૅનમાં આવેલી છે. વર્તમાન ઓલિમ્પિક યજમાન શહેરોમાં પણ અસ્થાયી અદાલતો સ્થાપવામાં આવે છે. આ ક્રમમાં આ વખતે પેરિસમાં CASની સ્થાપના કરવામાં આવી છે.
વિનેશ તેના 100 ગ્રામ વજનના કારણે અયોગ્ય જાહેર થઈ ગઈ
ઓલિમ્પિકમાં ભારતની આશાઓને ત્યારે ફટકો પડ્યો જ્યારે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી. 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ રેસલિંગ કેટેગરીની ફાઈનલ મેચના થોડા કલાકો પહેલા જ વિનેશનું વજન લગભગ 100 ગ્રામ જેટલું વધારે જોવા મળ્યું હતું. વિનેશ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ વજન વધારે હોવાને કારણે તેને ફાઈનલ મેચના કલાકો પહેલા જ અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આવી સ્થિતિમાં, નિયમોના કારણે તે સેમિફાઇનલ જીત્યા પછી પણ મેડલ ચૂકી ગઈ. પરંતુ હવે કેસ CASમાં ગયા બાદ વિનેશની મેડલ મેળવવાની આશા ફરી જાગી છે.
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર થયા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી હતી.