Neeraj Chopra Statement After Qualify For Final in Javelin Throw: 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સૌથી મોટી આશા ગૉલ્ડન બૉય નીરજ ચોપડા પાસે છે, અને તેને આજે નિરાશ નથી કર્યા. ગત ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડા દરેક ભારતીયની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. નીરજે આજે પહેલીવાર પેરિસ ઓલિમ્પિકમાં એન્ટ્રી મારી અને સીધો ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. હવે ફરી એકવાર નીરજ ચોપડા પાસેથી ગૉલ્ડ મેડલની અપેક્ષા છે. ફાઇનલમાં પ્રવેશ્યા બાદ નીરજ ચોપડા ખૂબ જ ખુશ દેખાતો હતો અને કહ્યું કે તે ફરીથી ગૉલ્ડ જીતવા માટે તૈયાર છે.


પહેલા જ પ્રયાસમાં 89.34 મીટર ભાલો ફેંકીને ફાઈનલ માટે ક્વૉલિફાય થયા બાદ નીરજ ચોપડાએ કહ્યું, હું ફાઈનલ માટે તૈયાર છું. હું મારા પહેલા પ્રયાસમાં સફળ રહ્યો હતો. આનાથી મને આત્મવિશ્વાસ મળ્યો. હું સંપૂર્ણ રીતે ફિટ છું અને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. હું સારી રીતે સ્વસ્થ થયો છું, તેથી હું આ વર્ષે ફરીથી ગૉલ્ડ જીતવા માટે તૈયાર છું.


ક્વૉલિફિકેશન રાઉન્ડમાં પહેલા સ્થાન પર રહ્યો નીરજ ચોપડા 
ક્વૉલિફિકેશન રાઉન્ડમાં બંને ગ્રુપને એકસાથે જોવામાં આવે તો નીરજ ચોપડા સૌથી આગળ રહ્યો હતો. તેણે 89.34 મીટરનું અંતર કાપીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ત્યારબાદ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.63 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. ત્રીજા ક્રમે જર્મનીનો જુલિયન વેબર રહ્યો, જેને 87.76 મીટરનું અંતર કાપ્યું. જ્યારે પાકિસ્તાનનો અરશદ નદીમ 86.59 મીટરના અંતર સાથે એકંદરે ચોથા ક્રમે રહ્યો હતો.


ઓછામાં ઓછા 12 એથ્લેટ ભાલા ફેંક સ્પર્ધાની ફાઈનલ માટે ક્વૉલિફાય થાય છે. કુલ 7 ખેલાડીઓએ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં 84 મીટરનો આંકડો પાર કરીને સીધા જ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ 7 એથ્લેટ્સ પછી શ્રેષ્ઠ થ્રૉ કરનારા પાંચ એથ્લેટને ફાઇનલમાં પ્રવેશ મળે છે. નીરજ ચોપડા હવે ગૉલ્ડ મેડલ માટે 8 ઓગસ્ટે ફાઇનલમાં એક્શનમાં જોવા મળશે.