ભારતીય શૂટર સરબજોત સિંહે મંગળવારે મનુ ભાકર સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 22 વર્ષીય સરબજોતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. મનુ અને સરબજોતની જોડીએ ઓહ યે જીન અને લી વોન હૂની કોરિયન જોડીને 16-10થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં સારી શરૂઆત કરી હતી. જોકે તે મેન્સ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી શક્યો ન હતો. જો કે, તે દિવસે સરબજોતનું નસીબ તેની સાથે નહોતું અને તે આ કેટેગરીની ફાઇનલમાં થોડા જ અંતરથી પહોંચી શક્યો નહોતો. સરબજોત આ ઈવેન્ટના ક્વોલિફિકેશનમાં ટોપ આઠમાંથી બહાર હતો જેના કારણે તે મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ શક્યો નહોતો. સરબજોત અને જર્મનીના રોબિન વોલ્ટરનો સમાન સ્કોર 577 હતો અને તેઓ સંયુક્ત રીતે આઠમા ક્રમે હતા પરંતુ સરબજોત રોબિન કરતા એક શોટ ઓછો રમ્યો હતો નવમા ક્રમે સરકી ગયો હતો.
સ્કૂલના દિવસોમાં શૂટિંગ શરૂ કર્યું
સરબજોત સિંહનો જન્મ પંજાબના એક નાના ગામમાં થયો હતો. તે સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના માતા-પિતાએ હંમેશા તેને પ્રોત્સાહિત કર્યો અને તેની શૂટિંગની સફરમાં તમામ લોકોએ શક્ય એટલી મદદ કરી છે. સરબજોતે પ્રારંભિક શિક્ષણ પંજાબમાં મેળવ્યું હતું. બાળપણથી જ તેને રમતગમત પ્રત્યે પ્રેમ હતો. તેણે શાળાના દિવસોમાં જ શૂટિંગ શરૂ કર્યું હતું. સરબજોતે અંબાલાની એક ક્લબમાં કોચ અભિષેક રાણાની એકેડમીમાં ટ્રેનિંગ લીધી હતી. તે ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હી ગયો અને ત્યાં શૂટિંગની તાલીમ પણ ચાલુ રાખી હતી.
એશિયન ગેમ્સમાં પણ મેડલ જીત્યો હતો
સરબજોતે વર્ષ 2019માં ISSF જૂનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સરબજોત સિંહ ચીનમાં 2022 એશિયન ગેમ્સમાં ભારતીય શૂટિંગ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તેણે ત્યાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સરબજોતે એશિયન ગેમ્સમાં દિવ્યા ટી.એસ સાથે મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.