ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ચીની ખેલાડીને હરાવીને આ ઉપલબ્ધિ હાંસિલ કરી છે. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ઓલિમ્પિકમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે. સિધુએ આ મેચમાં શરુઆતથી જ દબદબો બનાવી રાખ્યો હતો અને પ્રથમ સેટમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પકડ મજબૂત કરી હતી. બાદમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા મેડલ પોતાના નામે કર્યો છે. આ જીત બાદ પીવી સિંધુએ કહ્યું આવું કરવા માટે તેણે વર્ષો સુધી મહેનત કરી છે. 


સિંધુએ કહ્યું કે મારા પરિવારે મારે માટે તનતોડ મહેનત કરીને મને આગળ વધારી છે તેથી હું તેમની ખૂબ આભારી છું. દેશના ચાહકોએ પણ મને ખૂબ પ્રેમ અને સપોર્ટ આપ્યો છે આ પ્રસંગે તેમનો પણ આભાર માનું છું. મારે માટે પ્રવાસ ખૂબ કપરો હતો પરંતુ મેં ધીરજ અને શાંતિ જાળવીને પૂર્ણ કર્યો છે.


સિંધુએ કહ્યું કે ઘણા વર્ષો સુધી મહેનત કરી છે. મને લાગે છે કે મેં ઘણું સારુ કર્યું છે. મારી અંદર લાગણીનો ધોધ વહી રહ્યો છે. વિચારી રહી છું કે બ્રોન્ઝ મેડલ જીતવાથી મારે ખુશ થવું જોઈએ કે ફાઈનલમાં રમવાની તક ન મળી તે જોઈને દુખી થવું જોઈએ.



ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પીવી સિંધુને પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્પતિ રામનાથ કોવિંદે અભિનંદન પાઠવ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે તમારુ અદ્વિતિય પર્ફોમન્સ જોઈને અમને બધાને ખૂબ ખુશ થયા છીએ.


હોકીમાં બ્રિટનને હરાવીને ભારત  41 વર્ષ પછી સેમીફાઈનલમાં પહોંચ્યું છે.  ભારતીય પુરુષ હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલ મેચ બ્રિટન વિરૂદ્ધ રમાઈ હતી.  ટીમ ઈન્ડિયા ગ્રેટ બ્રિટન સામે 3-1થી જીત મેળવી છે. દિલપ્રિત સિંહે પ્રથમ ગોલ ફટકાર્યો હતો.