નવી દિલ્હીઃકોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાના લગભગ તમામ દેશ લડાઇ લડી રહ્યા છે. એવા સમયમાં દેશના મોટા ખેલાડીઓ, અભિનેતા અને નેતાઓ લોકોના મદદ માટે આગળ આવી રહ્યા છે. સ્વિઝરલેન્ડને કોરોના વાયરસ સામે લડવા માટે મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરર અને તેમની પત્ની મિર્કા ફેડરરે મોટી રકમ ડોનેટ કરી છે. ફેડરર અને તેની પત્નીએ સ્વિઝરલેન્ડ સરકારને કોરોના સામે લડવા એક મિલિયન સ્વિસ ફ્રૈંક એટલે કે લગભગ સાત કરોડ 70 લાખ રૂપિયા દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. આ મામલે ફેડરરે કહ્યું કે, આ મહામારીમાં કોઇ પણ પાછળ છૂટવા જોઇએ નહીં.



રોજર ફેડરરે જાહેરાત કરી હતી કે તે અને તેની પત્ની કોરોના વાયરસ સામે લડી રહેલા પરિવારોને બચાવવા માટે એક મિલિયન સ્વિસ ફ્રૈંક દાન કરી રહ્યા છીએ. ટ્વિટર પર જાણકારી આપતા લખ્યું કે, આ તમામ લોકો માટે એક પડકારરૂપ સમય છે અને એવામાં કોઇ પણ પાછળ રહી જવા જોઇએ નહીં. મિર્કા અને મેં નિર્ણય લીધો છે કે અમે સ્વિઝરલેન્ડમાં સૌથી નબળા પરિવારોને એક મિલિયન સ્વિસ ફ્રૈંક  આપીશું. નોંધનીય છે કે સ્વિઝરલેન્ડમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 10897 થઇ ગઇ છે જ્યારે 153 લોકોના મોત થયા છે.