નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયામાં તીવ્ર બની રહ્યો છે. દરરોજના હજારોની સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યાં છે, દરેક દેશની સરકારે લોકોને કમ્પલસરી માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવા સૂચના આપી દીધી છે. હવે આ નિયમ તોડીને દુનિયાનો સૌથી મોટો સ્ટાર દોડવીર ઉસેન બોલ્ટ કોરોના પૉઝિટીવ થયો છે.

રિપોર્ટ છે કે, દુનિયાનો સૌથી મોટો દોડવીર-રનર ઉસૈન બૉલ્ટને કોરોનાનો ચેપ લાગ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, થોડાક દિવસો પહેલા ઉસૈન બોલ્ટે પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેને પોતાના ઘરે એક જન્મદિવસની પાર્ટી રાખી હતી, તેને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કર્યા વિના બધાને ભેગા કર્યા હતા. આ પાર્ટીમાં ઇંગ્લિશ ફૂટબૉલર રહીમ સ્ટર્લિંગ પણ સામેલ હતો.

રિપોર્ટ અનુસાર, જમૈકાના રેડિયો સ્ટેશન 'નેશનવાઇડ90એફએમ'એ કહ્યું કે. ઉસૈન બૉલ્ટ આ બિમારીના સંપર્કમાં આવી ગયો છે, અને પરિણામ સ્વરૂપ તે હવે સેલ્ફ આઇસૉલેશનમાં રહેશે. રિપોર્ટમાં આગળ કહેવાયુ છે કે 34 વર્ષના બૉલ્ટે થોડાક દિવસો પહેલા કૉવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો, અને રવિવારે તે કોરોનાથી સંક્રમિત થઇ ગયો હતો.



ઉસૈન બૉલ્ટે વર્ષ 2017માં લંડન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 100 મીટર સ્પર્ધામાં ત્રીજા સ્થાન પર આવ્યા બાદ પોતાના શાનદાર કેરિયરને અલવિદા કહી દીધુ હતુ. સ્પ્રિન્ટિંગમાંથી સન્યાસ લીધા બાદ બૉલ્ટ પ્રૉફેશનલ ફૂટબૉલમાં પોતાનો હાથ અજમાવવાની કોશિશ કરી હતી. જ્યાં તેને ઓક્ટોબર 2018માં ઓસ્ટ્રેલિયા-એ લીગની ટીમ સેન્ટ્રલ કૉસ્ટલ મરિનર્સની સાથે પ્રેક્ટિસ કરી હતી.